આંધ્ર પ્રદેશના અમલાપુરમાં કોનસીમા જિલ્લાનું નામ બદલવાથી રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. મંગળવારે અમલાપુર ક્લોક ટાવર સેંટરમાં હિંસાની ઘટના સામે આવી હતી. જિલ્લાનું નામ નહીં બદલવાની માગ સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અને 10 વાહનોને આગ લગાવી દીધી હતી. પોલીસ પર પથ્થરમારામાં 20 પોલીસકર્મી ઘવાયા હતા.
નામ બદલવાના મુદ્દે રમખાણ: આંધ્ર પ્રદેશના કોનસીમા જિલ્લાનું નામ બદલીને બીઆર આંબેડકર કરવાનું સરકારે નક્કી કર્યું હતું. જેને પગલે કેટલાક લોકો ભડકી ગયા હતા અને નામ બદલવાના નિર્ણયને પરત લેવાની માગણી સાથે વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા હતા. જેને પગલે સમગ્ર જિલ્લામાં હિંસાની ઘટનાઓ સામે આવી હતી. હિંસાને અટકાવવા માટે જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા 144 લાગુ કરી દેવામાં આવી છે.
પોલીસ કર્મી પણ ઘવાયા:પોલીસ જ્યારે હિંસાખોરોને રોકી રહી હતી ત્યારે તેમના પર પણ પથ્થરમારો કરી દેવામાં આવ્યો હતો, જેમાં જિલ્લાના ડીએસપી ઘાયલ થઇ ગયા હતા જેથી તેઓ બેભાન થઇ ગયા હતા જ્યારે એક એસપી પણ ઘવાયા હતા. હાલ બન્નેની સારવાર ચાલી રહી છે.

