શુક્રવારે બદરીનાથ ધામના દર્શન કરીને જોશી મઠ પરત ફરેલા ગુજરાતના સુરતના ભાનુભાઈ (ઉ.વ.58)ને અચાનક શ્ર્વાસ લેવામાં તકલીફ થતા તેમને સીએચસી ખાતે દાખલ કરાયા હતાં, જયાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જયારે બદરીનાથ ધામમાં બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યે ગુજરાતના મહિલા તીર્થયાત્રી વીણાબેન (ઉ.વ.55)ની તબીયત ખરાબ થઈ ગઈ હતી. પરિવારજનોએ તેમને પીએચસીએ પહોંચાડયા પણ એ પહેલા જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું. બન્નેના મૃત્યુ હૃદયની ગતિ બંધ થવાની થયાની તબીબોએ આશંકા દર્શાવી હતી.

અત્યાર સુધીમાં ચારધામ યાત્રામાં 56 યાત્રીઓના મોત થયા છે, જેમાં 54 લોકોના હૃદયરોગ હુમલાથી મૃત્યુ થયા છે. જયારે છેલ્લા 24 કલાકમાં 7 તીર્થયાત્રીઓના હૃદયની ગતિ બંધ પડી જવાથી મોત નિપજયા છે. આ 7 યાત્રીઓમાં 2 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. કેદારનાથમાં બે યાત્રીઓના હાર્ટ એટેકથી મોત થયા હતા. સીએમઓ ડો. બી.કે.શુકલાએ જણાવ્યું હતું કે, શુક્રવારે ધામ પહોંચેલા પ્રદીપકુમાર કુલકર્ણી (ઉ.61, રહે. પુણે) અને બંસીલાલ (ઉ.વ.57, રહે. મંદસૌર)નું પણ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. કેદારનાથ યાત્રામાં અત્યાર સુધીમાં કુલ 23 યાત્રીઓના મોત નિપજયા છે, જેમાં 22 લોકોમાં હાર્ટ એટેકથી મોત થયા છે. આ સિવાય ઋષિકેશમાં વિભિન્ન પ્રાંતોમાંથી આવેલા ત્રણ તીર્થયાત્રીઓના મૃત્યુ થયા છે. જેમાં ચારધામ યાત્રાથી પાછા ફરેલા ગોરખપુર નિવાસી અવધેશ નારાયણ તિવારી (ઉ.વ.65), પુત્ર શિવપ્રસાદ તિવારીની હાલત મુનિકીરેતામાં ગંગા સ્નાન બાદ બગડી હતી.

