સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં મંદી અટકવાની સાથે જોવા મળેલા સુધારાતરફી વલણ અને વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો એક તબક્કે ૨૪ પૈસા ગબડી ગયા બાદ સત્રના અંતે ગઈકાલના બંધથી ૧૧ પૈસાના સુધારા સાથે ૭૭.૪૪ની સપાટીએ બંધ રહ્યો હતો.
આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૭૪ ટકા વધીને બેરલદીઠ ૧૧૫.૯૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૭.૫૫ના બંધ સામે નરમાઈના ટોને ૭૭.૬૭ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૭.૭૯ સુધી ગબડી ગયા બાદ શૅર બજારમાં સુધારાની રેલી જોવા મળતા રૂપિયામાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો.

અને ઉપરમાં ૭૭.૪૪ સુધી મજબૂત થયા બાદ અંતે ઉપરની જ ૭૭.૪૪ની સપાટીએ બંધ રહ્યો હતો અને ગઈકાલના બંધથી ૧૧ પૈસાનો સુધારો નોંધાયો હતો. આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૪૧ ટકા ઘટીને ૧૦૩.૭૫ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ બૉમ્બે સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૧૩૪૪.૬૩ પૉઈન્ટનો અને ૪૧૭ પૉઈન્ટનો ઉછાળો આવતા રૂપિયાની તેજીને ટેકો મળ્યો હતો.
જોકે, ક્રૂડતેલના ભાવમાં વધારો તથા ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૭૮૮.૯૩ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.

