નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરો ધરાવતો સેન્સેક્સ 612 પોઈન્ટ અથવા 1.12 ટકાના ઘટાડા સાથે 54,223 પર ખુલ્યો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 174 પોઈન્ટ અથવા 1.06 ઘટીને 16,237ના સ્તરે ખૂલ્યો હતો. માર્કેટમાં કારોબાર શરૂ થયાની થોડીવાર બાદ સેન્સેક્સ 845 પોઈન્ટ ઘટીને 54 હજારની નીચે આવી ગયો હતો.
હાલમાં સેન્સેક્સ 53,990 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. બીજી તરફ, નિફ્ટીમાં પ્રારંભિક ઘટાડો પણ તીવ્ર બન્યો હતો. ઈન્ડેક્સ 344 પોઈન્ટ ઘટીને 16,167ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.બજાર ખુલતાની સાથે જ લગભગ 816 શેર વધ્યા, 1434 શેર ઘટ્યા અને 138 શેરમાં કોઈ ફેરફાર થયો ન હતો. આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 866.65 પોઈન્ટ ઘટીને 54,835.58 પર જ્યારે નિફ્ટી 272.40 પોઈન્ટ ઘટીને 16,411.25 પર બંધ થયો હતો.
નોંધનીય છે કે ગયા અઠવાડિયે RBI દ્વારા રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કરવાની જાહેરાત બાદ પણ ઘટાડો અટક્યો નથી. 6 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતીય શેરબજારો ચાર ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા. BSE સેન્સેક્સ 2,225 પોઈન્ટ અથવા 3.89 ટકા ઘટીને 54,835 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 691 પોઈન્ટ અથવા 4.04 ટકા ઘટીને 16,411 પર બંધ થયો હતો. સપ્તાહના પ્રથમ દિવસે આ ઘટાડો વધુ વધી ગયો છે.


