અમદાવાદના શાહીબાગ સ્થિત સરદાર પટેલ સ્મારક હોલમાં ગૌરવવંતા ગુજરાતીનો ચોથો એવોર્ડ સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કલાકારો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિત ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો એક વીડિયો કીર્તિદાન ગઢવીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.
આ વીડિયોમાં ટાઇગર શ્રોફ અને તારા સુતરિયા કીર્તિદાન ગઢવીના અવાજમાં લોકપ્રિય ગીત સાઈબો રે ગોવાડિયોની ધૂને દાંડિયા રમતા દેખાઈ રહ્યા છે. ટાઇગર શ્રોફને દાંડિયા રમતા જોઈ તેમના ફેન્સ પણ ખૂબ જ રોમાંચિત થયા હતા. આ વીડિયો હવે ઈન્ટરનેટ પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. ફેન્સે કોમેન્ટ બોક્સમાં ટાઈગર અને કીર્તિદાન ગઢવીના ખૂબ વખાણ કર્યા હતા. એક ફેને લખ્યું “આને કહેવાય ગુજરાતી.” તો અન્ય ઘણા લોકોએ “ભાઈ ભાઈ” અને “હા મોજ હા” જેવી કોમેન્ટ કરી હતી. સમારંભમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર નયન મોંગિયા, બોલીવૂડ કલાકાર વત્સલ શેઠ, મનોજ જોષી, ઇસ્માઇલ દરબાર, પૂજા ગૌર, કલ્પના વાઘેલા અને શહેરના મેયર અસિત વોરા સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

