અમરેલી જિલ્લાના બગસરા નજીક આવેલા કડાયા ગામમાં સાંજે પાંચ વર્ષની બાળકીને સિંહે ઉપાડી જઈ ફાડી ખાધી હતી. બાળકીને બચાવવા તેના પિતાએ સિંહ પાછળ દોટ મૂકીને બાળકીને સિંહના મોં માથી છોડાવી હતી. પણ તેની દીકરીને બચાવી શક્યાં ન હતા. તો ઘટનાસ્થળે પહોચેલી વનવિભાગની ટીમ સામે ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો હતો અને સત્વરે સિંહને પાંજરે પૂરવા માટે પણ જણાવ્યું હતું.

બગસરના કડાયા ગામે સુક્રમભાઈ ખેતમજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમની 5 વર્ષની દીકરી નિકિતા સોમવારે સાંજે વાડી વિસ્તારમાં પાણીની કુંડી પાસે રમતી હતી. ત્યારે અચાનક એક સિંહ આવી ચડ્યો હતો અને બાળકીને ઉપાડીને ભાગવા લાગ્યો હતો. પિતા સુક્રમભાઈનું ધ્યાન જતાં તેમણે સિંહ પાછળ દોડ મૂકી હતી. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે સિંહ બાળકીને અડધો કિલોમીટર સુધી લઈ ગયો હતો. પિતાએ સિંહ પાછળ દોડ મૂકીને તેને બચાવવાના અઢળક પ્રયાસ કર્યા હતા, પણ નિષ્ફળ રહ્યાં હતા. આ ઘટના બાદ વાડી માલિક અને સ્થાનિક ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. જાણ થતાં વન વિભાગના અમરેલી ડિવિઝનના ડી.સી.એફ.પ્રિયંકા ગેહલોત સહિત કર્મચારીઓ દોડી ગયાં હતાં.

ગ્રામજનોએ વન વિભાગ સામે રોષ વ્યક્ત કર્યો હતો અને બાળકીનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી. જોકે સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. ગ્રામજનોએ સ્થળ પર સિંહને તાકીદે ઝડપી પાડવા માટે ઉગ્ર માગ ઉઠાવી હતી. ખેડૂતોને કેવી રીતે વાડી વિસ્તારમાં અવરજવર કરવી સહિત અનેક સવાલો પણ ઉઠાવ્યા હતા. સિંહને રાતોરાત જ ઝડપથી પાંજરે પૂરવા માગ ઉઠાવી હતી. જ્યારે વન વિભાગ દ્વારા સિંહને મોડી રાત્રે પાંજરે પૂરી દેવામાં આવ્યો છે.

