નરેશ પટેલ રાજકારણમાં એન્ટ્રી કરવાના છે. એવા કેટલાય પ્રસંગો જોવા મળ્યા છે. પણ ક્યા પક્ષમાંથી તેઓ રાજકારણમાં આવશે એ અંગે તેમણે કોઈ ફોડ પાડ્યો નથી. પણ જામનગરમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના યજમાન પદે યોજાઈ રહેલી ભાગવત સપ્તાહની પોથીયાત્રામાં રાજકીય નેતાઓ તથા સામાજિક આગેવાનોએ ખાસ હાજરી આપી હતી. પણ આ પોથીયાત્રામાં સૌનું ધ્યાન નરેશ પટેલ પર રહ્યું હતું. નરેશ પટેલ જામનગર કથામાં હજારી આપવા માટે આવ્યા હતા.
કથા શરૂ થાય એ પહેલા તેઓ પોથીયાત્રામાં એક રથમાં જોવા મળ્યા હતા. નરેશભાઈએ પોથીયાત્રા દરમિયાન વરૂણ પટેલ, અલ્પેશ ઠાકોર અને શંભુપ્રસાદ ટુંડિયા સાથે એક જ રથમાં સવારી કરી હતી. આના પરથી રાજકીય ચિત્ર સ્પષ્ટ થયું છે. જામનગર ઉત્તરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના યજમાન પદે રમેશભાઈ ઓઝા વ્યાસપીઠ પરથી ભાગવત સપ્તાહનું રસપાન કરાવી રહ્યા છે. આ પોથી યાત્રા અને કથાના પ્રસંગે પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ નેતા વરૂણ પટેલ, અલ્પેશ ઠાકોર, શંભુપ્રસાદ ટુંડિયા સહિતના નેતાઓએ ખાસ હાજરી આપી હતી. આ ઉપરાંત સૌએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી.
ખોડલધામ ચેરમને નરેશ પટેલ પણ આ યાત્રામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના નેતાઓ સાથે એક જ રથમાં જોવા મળતા અનેક વાતો થઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે, 57 વર્ષની ઉંમરે રાજકારણમાં પ્રવેશવાની વાત છે. એટલે કંઈ સમજ્યા વગર પ્રવેશ કરવો બરોબર નથી. પાટીદાર સમાજના લોકો સિવાય પણ અન્ય સમાજના લોકો સાથે મારી વાત ચાલું છે. કર્મનિષ્ઠ લોકો સાથે વાતચીત ચાલે છે. રાજકારણમાં પ્રવેશ અંગે જણાવીશ. ખોડલધામમાં બે તબક્કામાં બેઠક યોજાઈ હતી. જેમાં કેટલીક સામાજિક ચર્ચા થઈ હોવાનું મનાય છે.

