દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં હેડ કોન્સ્ટેબલે સર્વિસ રિવોલ્વરમાંથી લમણે ગોળી મારી આપઘાત કરી લેતા ચકચાર મચી છે. આ બનાવના પગલે જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતક હેડ કોન્સ્ટેબલના મૃતદેહનો કબ્જો સંભાળીને પીએમ માટે મોકલાયો હતો.

પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયાની ભાગોળે દ્વારકા હાઇવે પર આવેલા ખોડીયાર માતાજી મંદિર પાછળના ભાગે શુક્રવારે બપોરે પોલીસ કર્મચારી પ્રવિણભાઇ વાઘેલાએ રીવોલ્વરથી ગોળી મારી આપઘાત કરી લીઘો હોવાનો બનાવ સામે આવ્યો છે. બનાવની જાણ થતા જિલ્લા પોલીસ વડા નિતેષ પાંડેય અને ઉચ્ચ અધિકારીઓ સહિતની પોલીસ ટીમ પણ તુરંત ઘટનાસ્થળ પર દોડી ગયા હતા. મૃતક પોલીસ કર્મચારી કલ્યાણપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા હોવાનુ સામે આવ્યુ છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક પોલીસ કર્મચારી ખંભાળિયા પંથકના વતની હતા અને હાલ કલ્યાણપુર પોલીસ મથકમાં હેડ કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા હોવાનુ સામે આવ્યુ છે. જયારે તેના પત્નીનુ પણ કોરોના કાળ દરમિયાન મૃત્યુ નિપજયાનુ જાણવા મળ્યુ છે. આ બનાવના પગલે ચાર માસુમ બાળકીઓએ પિતાની પણ છત્રછાયા ગુમાવતા ભારે અરેરાટી સાથે શોકનુ મોજુ ફરી વળ્યુ છે.જયારે આ બનાવના પગલે પોલીસ બેડામાં પણ શોકની લાગણી છવાઇ છે.

