રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં તાપમાનનો પારો ઉંચકાઈને 40 ડીગ્રીને વટાઈ ગયો છે. ગરમી વધતાની સાથે જ વીજમાગમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યારે કાળઝાળ ગરમી વચ્ચે વીજમાગ 6 હજાર મેગાવોટને પાર થઈ છે. આગામી દિવસોમાં વીજમાગમાં વધારો થશે.

સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમી વચ્ચે ગયા મહિને 5500 મેગાવોટ આસપાસ રહેલી વીજમાંગ હાલ 6 હજાર મેગાવોટને પાર થઇ છે ને હજુ પણ આગામી દિવસોમાં જેમ જેમ પારો ઊંચો જશે તેમ વીજમાંગમાં પણ વધારો થવાની પ્રબળ સંભાવના પ્રવર્તી રહી છે. એકાદ મહિનાથી પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે આ સ્થિતિનું સર્જન થયું છે. એરકુલર અને એસી પણ સતત ધમધમતા રહે છે. સરકારી કચેરીઓમાં અને રહેણાંકોમાં એસીનો ઉપયોગ વધવા લાગ્યો છે. એરકન્ડિશનર અને રેફ્રિજરેટર સહિતના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની સંખ્યા દર વર્ષે વધતી જતી હોવાથી વીજળીની ખપત પણ સતત વધતી જાય છે.

ઇલેક્ટ્રોનિક્સ ઉપરકરણોનો વપરાશ તો વધ્યો છે. સાથોસાથ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શહેરની વસતીમાં પણ વધારો થયો છે અને શહેર આસપાસ નવા વિસ્તારો વિકસ્યા છે પરિણામે વીજ જોડાણની સંખ્યા વધી છે અને તેમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. આ સંજોગોમાં સૌરાષ્ટ્રમાં વીજળીની ખપતમાં આગામી દિવસોમાં પણ વધારો થવાની પૂરી સંભાવના છે.

