મહાનગર ગેસ લિમિટેડ (MGL) એ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ની છૂટક કિંમતમાં રૂ. 4 પ્રતિ કિલોનો વધારો કર્યો છે. જોકે, કંપનીએ પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)ની છૂટક કિંમતમાં વધારો કર્યો નથી.
કંપનીએ કહ્યું છે કે નેચરલ ગેસ સપ્લાયની કિંમતમાં 110 ટકાના જંગી વધારા બાદ કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. મહાનગર ગેસ લિમિટેડે 6 એપ્રિલ, 2022થી ત્રીજી વખત CNGના ભાવમાં વધારો કર્યો છે. MGLએ શુક્રવારે જણાવ્યું હતું કે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં CNGની કિંમત શુક્રવારની મધ્યરાત્રિથી 76 રૂપિયા પ્રતિ કિલો હશે અને સ્થાનિક PNGની કિંમતોમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.કિંમતોમાં આ તાજેતરના વધારા પહેલા, 1 થી 5 એપ્રિલની વચ્ચે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 6 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારથી તેમાં પ્રતિ કિલો રૂ. 16નો વધારો થયો છે. રાજ્ય સરકારે CNG પરનો વેટ 13.5 ટકાથી ઘટાડીને ત્રણ ટકા કર્યો હતો, ત્યારબાદ તેની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

