સેન્ટ્રલ જીએસટીની ડાયરેક્ટરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સની ટીમે રાજકોટમાં યુરિયા ખાતરમાં બોગસ બિલિંગ કરનારા બે શખસોને ઝડપી લીધા છે. સીજીએસટીની ટીમ દ્વારા રાજકોટમાં આવેલી 7 પેઢીઓમાં તપાસ હાથ ધરી છે. જેમાં 16 કરોડ રૂપિયાથી વધુની રકમની કરચોરી ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે.
દિલ્હીથી મળેલા આદેશો બાદ ડીજીજીઆઈની ટીમે રાજકોટમાં અલગ અલગ સ્થળોએ દરોડા પાડી યુરીયાના વેચાણના બોગસ વ્યવહારો ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન ફિઝીકલ વ્યવહારો થયા ન હતા. માત્ર કાગળ પર કરોડોનાં વ્યવહારો બહાર આવ્યા હતા. જેમાં જુદી જુદી પેઢીઓ દ્વારા આશરે 90 કરોડનાં બોગસ વ્યવહારો કરી અંદાજે 16 કરોડની કરચોરી કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી યુરીયાના કાળા બજારનું મોટું કૌભાંડ દેશના અલગ અલગ સ્થળોએ ચાલી રહ્યું હોવાની ફરિયાદોનાં પગલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
યુરીયા ખાતરનો ખેડૂતો ઉપયોગ કરે તેના પર અઢી ટકા અને ઉદ્યોગોના વપરાશ પર આશરે 18 ટકા ટેક્સ લેવામાં આવતો હોય છે. જુદી જુદી પેઢીનાં હિસાબી સાહિત્ય અને ડિજીટલ ડોક્યુમેન્ટ કબ્જે કરી તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં દરોડા દરમિયાન બિન હિસાબી આશરે રૂ.2 કરોડની રોકડ રકમ પણ કબ્જે કરવામાં આવી હોવાનું સુત્રોએ જણાંવ્યુ હતું. યુરીયાના કરોડોના બોગસ વ્યવહારોના કૌભાંડમાં બે શખસની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.