કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના પિતા સ્વ.ભરતભાઈ પટેલની પુણ્યતિથિ પ્રસંગે આવેલા સાધુ-સંતો તથા કોંગ્રેસના આગેવાનોનાં સલાહ સૂચના બાદ હાર્દિક પટેલે એવી સ્પષ્ટતા કરી હતી કે, હું કોંગ્રેસમાં જ છું અને પક્ષ પાસે તો કામ માંગુ છું. જો કામ મળશે તો 110ની સ્પીડથી કામ કરીશ. મારે કોઈ વાત સાબિત કરવાની થાતી નથી. હાર્દિક પટેલના પિતાની તિથિ પર આવેલા કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા અને નૌતમ સ્વામી એ આપેલા નિવેદન તથા સૂચનો અંગે ખુલાસો કરતા હાર્દિક પટેલે ઉમેર્યું કે, પક્ષમાં કોઈ સાથે વૈચારિક વિરોધ હોઈ શકે.

નરેશ પટેલે કોંગ્રેસમાં આવવું જોઈએ
પણ હું આ મામલે બેસીને અવશ્ય વાતચીત કરીશ. મારા પિતાની તિથિ પર આવેલા દરેકનો આભાર વ્યક્ત કરૂ છું. નૌતમ સ્વામીએ હિન્દુવિચારધારા વાળા પક્ષમાં જોડાવવાની સલાહ અંગે હાર્દિકે ચોખવટ કરી કે, નૌતમસ્વામીએ એમની લાગણી વ્યક્ત કરી છે. મેં અહીં ભગવાન રામની સ્થાપના કરી છે. મારે કોઈ વાત સાબિત નથી કરવી. હું રઘુવંશી છું મારે કંઈ સાબિત કરવાનું રહેતું નથી. અમે હિંદું સંસ્કૃતિથી જોડાયેલા જ છીએ. હાર્દિક પટેલે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અંગે ચોખવટ કરી કે, તેમણે રાજકારણમાં આવવું જોઈએ. જોકે, આ પહેલા પણ નરેશ પટેલને લઈને હાર્દિક પોતાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. બે વખત બંધ બારણે મિટિંગ પણ થયેલી છે. નરેશ પટેલ જેવા અનેક લોકોએ કોંગ્રેસમાં આવવું જોઈએ. જ્યારે પ્રશાંત કિશોર અંગે ફોડ પાડતા કહ્યું કે, ઘણા સમયથી એક ચર્ચા ચાલે છે. તેઓ એક સ્ટ્રેટેજી મેકર્સ છે. તેઓ ચટણી બનાવે છે અને બગાડે છે. જો ઘીના ઠામમાં ઘી પડી ગયું હોય તો એ સારી વાત છે. જોકે, હકીકત એવી છે કે, પ્રશાંત કિશોર કોંગ્રેસ સાથે જોડાવવાના નથી.

કોરોના પહેલા પિતાએ વિદાય લીધી
કોરોના મહામારીના એક વર્ષ પહેલા મારા પિતાનું અવસાન થયું. નિધન પછી હિંદુ સંસ્કૃતિ અનુસાર ધાર્મિક વિધિ કરી છે. આજે આ તિથિનો કાર્યક્રમ છે. જેમાં લોકોને તથા પાર્ટીના લોકોને મેં આમંત્રિત કરેલા છે. મેં ક્યારેય એવું કહ્યું નથી કે ફલાણી પાર્ટીના કોઈ લોકો આવશે. નૌતમસ્વામી ખૂબ મોટા છે. ધર્મના વડા છે. તેમણે પોતાની લાગણી વ્યક્ત કરી હશે. રામધૂન તથા અન્ય ધાર્મિક કાર્યક્રમ અનુસાર હિંદુ વિધી કરી છે.

