તામિલનાડુના તંજાવુર જિલ્લામાં બુધવારે સવારે એક રથયાત્રા દરમિયાન ઓછામાં ઓછા 11 લોકો વીજ કરંટ લાગવાથી મૃત્યું પામ્યા છે. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના ત્યારે બની હતી જ્યારે લોકો મંદિરની પાલખી પર ઉભા હતા. જ્યારે પાલખી કાલીમેડુના ઉપલા મંદિરમાં હાઇ-ટ્રાન્સમિશન લાઇનના સંપર્કમાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે મંદિરની પાલખી ફેરવતી વખતે ઓવરહેડ લાઇનના સંપર્કમાં આવવાને કારણે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો.

મીડિયા સાથે વાત કરતા અધિકારીઓએ જણાવ્યું કે માર્યા ગયેલાઓમાં બે બાળકો પણ સમાવેશ થાય છે, તેમજગંભીર ઈજા પામેલા ત્રણ વ્યક્તિઓ સહિત કુલ 15 લોકોને સારવાર હેતું તંજાવુર હોસ્પિટલમાં ખેસડાયા છે. તિરુચિરાપલ્લીના સેન્ટ્રલ ઝોનના પોલીસ મહાનિરીક્ષક વી બાલક્રિષ્નને અકસ્માત વિશે જણાવ્યું છે કે આ અંગે એક કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુમાં બનેલી ઘટના અંગે ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમઓ દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે તમિલનાડુના તંજાવુરમાં થયેલા અકસ્માતથી ખૂબ જ દુઃખી છું. દુઃખની આ ઘડીમાં હું શોકગ્રસ્ત પરિવારો સાથે છે, હું આશા રાખું છું કે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય.

આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જીવંત તાર સાથે સંપર્ક થવાને કારણે રથ સંપૂર્ણપણે નાશ પામ્યો છે. તે જાણીતું છે કે દર વર્ષે તમિલનાડુમાં વાર્ષિક રથ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લે છે.


તંજાવુરના કાલીમેડુ મંદિરમાં 94મો ઉચ્ચ ગુરુપૂજા ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. તેમાં ભાગ લેવા માટે મંગળવાર રાતથી જ લોકોની ભીડ જામવા લાગી હતી. રથયાત્રા એક વળાંક પરથી પસાર થઈ રહી હતી, તે દરમિયાન રથ પર ઉભેલા લોકો હાઈ વોલ્ટેજ વાયરની લપેટમાં આવી ગયા હતા. 9 ફૂટ ઊંચા રથને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યો હતો. રથની લાઈટોને પાવર કરવા માટે જનરેટર પણ જોડવામાં આવ્યું હતું. ઘાયલોમાં જનરેટર ઓપરેટર પણ સામેલ છે.

