રાજકોટના રેસકોર્ષના બગીચામાં સવારે એક યુવતીને શ્વાસની બિમારીના કારણે ગભરામણ ઉપડતા તેને ઉંઘની અડધી ગોળી પીધી હતી. તો તેની સાથે રહેલી બહેનપણીએ પણ ઉંઘની ગોળી ગટગટાવી હતી. બંને યુવતીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી છે.

18 અને 19 વર્ષની બન્ને યુવતીઓ કોલેજમાં અભ્યાસ કરતી હોય બન્ને બહેનપણી હોવાનું જાણવા મળ્યું છે. જ્યાં 19 વર્ષીય યુવતીએ જણાવ્યું હતું કે, આજે બગીચામાં બહેનપણીઓ સાથે બેઠી હતી ત્યારે પોતાને શ્વાસ ચડતાં પોતાની પાસેની ઉંઘની ગોળી અડધી પીધી હતી. એ જોઇને તેની ખાસ મિત્ર ગભરાઇ ગઇ હતી. એણે પણ અડધી વધેલી ગોળી પી લીધી હતી. એ પછી સાથેની બહેનપણીઓએ ગભરાઇ જઇ અમને હોસ્પિટલે ખસેડી હતી.

હોસ્પિટલમાં પ્રાથમિક પુછપરછમાં ફિનાઇલ પીધાની વાત કરવામાં આવતાં તબિબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રધ્યુમનનગર પોલીસને જાણ કરી હતી. આ બનાવ બાદ જયારે પ્રધ્યુમનનગર પોલીસનો સ્ટાફ હોસ્પિટલે પહોંચ્યો ત્યારે યુવતીઓએ સત્ય જણાવ્યું હતું. કે, બેમાંથી કોઇએ ફિનાઇલ પીધી નથી.પોતાને અગાઉ કોરોના થયો હોઇ શ્વાસની તકલીફ છે. 19 વર્ષીય યુવતી ડોક્ટરને ત્યાં નોકરી કરવા જતી હોઇ તેની પાસે ઉંઘની ગોળી રાખતી હતી. આમ બે બહેનપણીની ગભરામણને કારણે પોલીસ અને તેના પરિવારજનો એમ બધાને દોડધામ થઇ ગઇ હતી. પોલીસે બંનેના વાલીને બોલાવી નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

