દેશમાં સતત અને સખત રીતે વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવને કારણે વાહનચાલકોની મુશ્કેલી દિવસે દિવસે વધી રહી છે. ઓછા પગારમાં 107 રૂ.નું પેટ્રોલ ભરાવતા લોકો માટે હાલ સ્થિતિ પડ્યા પર પાટું જેવી થઈ ગઈ છે. વલસાડ જિલ્લાના ધરમપુર ચાર રસ્તા પાસે આવેલા પેટ્રોલ પંપ પર એવી ધટના બની જેના કારણે લોકોએ પેટ્રોલ પંપ પર હંગામો કર્યો હતો. પેટ્રોલ સાથએ પાણી ભળી જતા વાહનચાલકોના વાહન ખોટકાયા હતા.
પેટ્રોલ ભરાવીને જ્યારે લોકો 2 કિમી દૂર ગયા ત્યાં બાઈક અને ગાડીઓ અટવાઈ ગઈ હતી. બુધવારે સાંજના સમયે ધરમપુર ચાર રસ્તા પાસે આવેલા ઈન્ડિયન ઓઈલ પંપ પર પેટ્રોલ પુરાવતા લોકોની ગાડીમાં પેટ્રોલ અને પાણીનું મિશ્રણ આવ્યું હતું. જેના કારણે લોકો હેરાન પરેશાન થયા હતા. રસ્તા પર ફસાયેલા લોકોએ ગેરેજમાં જઈને જ્યારે તપાસ કરાવી ત્યારે પેટ્રોલની ટાંકીમાંથી પાણી મળી આવ્યું હતું. જેના કારણે અનેક લોકો પેટ્રોલ પંપ પર હંગામો કરવા માટે આવી પહોંચ્યા હતા. એક બાજું જ્યાં પેટ્રોલ પંપના ભાવ વધી રહ્યા છે. બીજી બાજું પેટ્રોલવાળું પાણી ગાડીમાં જવાને કારણે અનેક લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા.

આ ઉપરાંત લોકોને વાહન રીપેર કરાવવાનો પણ ખર્ચો થયો હતો. આર્થિક મુશ્કેલીમાં લોકોના વાહન ખોટકાતા લોકોએ પેટ્રોલપંપના સંચાલક પર ગુસ્સો ઠાલવ્યો હતો. પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે ઘર્ષણ થયું હતું. પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ સાથે પાણી મિશ્રિત વસ્તુ મળી હોવાથી મોટો વિવાદ થયો છે. લોકોએ ધરમપુર ચોકડી પાસે પેટ્રોલપંપ પર ગ્રાહકોએ હંગામો કર્યો હતો. લોકોએ એવો પણ આક્ષેપ કર્યો કે, પંપ માલિકો ખોટી રીતે કામ કરીને લોકો સાથે છેત્તરપિંડી કરે છે.
બીજી બાજું પેટ્રોલ ડીઝલમાં મિલાવટનો આ કોઈ પહેલો કેસ નથી. આ પહેલા અમદાવાદમાંથી પેટ્રોલ પંપ પરથી મીટરકાંટામાં ગડબડના અનેક કેસ સામે આવ્યા છે. જેમાં પેટ્રોલ માટેના પૈસા પૂરા પૂરાવતા જોઈએ એવી માત્રા મળતી ન હતી. જોકે, હકીકત એવી પણ છે કે, સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવને કારણે લોકોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે. ખાસ કરીને નાના શહેરમાં રહેતા લોકોને આર્થિક રીતે કટોકટી ભોગવવાનો વારો આવ્યો છે.

