દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવ્યા છે. આ પ્રવાસ પહેલા તેમણે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું નામ બદલી વિદ્યા સમીક્ષા કેન્દ્ર કરી દીધુ છે. ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ગાંધીનગર સ્થિત કમાન્ડ એન્ટ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેવાના છે. વડાપ્રધાન મોદી ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે અત્યાધુનિક મોનિટરીંગ રૂમમાંથી ગુજરાતભરના વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, મુખ્ય શિક્ષકો, બીઆરસી, સીઆરસી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે સંવાદ કરશે

આ ઓનલાઈન સંવાદ કરીને તેઓ શિક્ષણ ક્ષેત્રે જરૂરી એવા માર્ગદર્શન પણ આપશે. આ નામ બદલી દેવાના મુદ્દાને લીઈને આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર પ્રહાર કર્યો છે. પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ગુજરાતમાં કરવાનું કંઈ નહીં અને માત્ર નામ બદલી દેવાનું. ગુજરાત રાજ્યમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દીધું. ગાંધીનગરમાં કમાન્ડ કંટ્રોલ સેન્ટરનું નામ બદલીને વિદ્યા સમીક્ષા કેન્દ્ર કરી નાંખ્યું. પણ નામ બદલાવાથી ગુજરાતનો વિકાસ થતો નથી. એનું સર્જન કરવું પડતું હોય છે. શાળાનું નિર્માણ કરવું પડે. કૉલેજ અને યુનિ. બનાવવી પડે. આરોગ્ય ક્ષેત્રમાં હોસ્પિટલ તૈયાર કરવી પડે. દિલ્હી આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદીયાએ પણ થોડા સમય પગેલા ગુજરાતની મુલાકાત લીધી હતી. એ સમયે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના મતક્ષેત્રમાં આવેલી સ્કૂલમાં તેઓ પહોંચ્યા હતા. ગોપાલ ઈટાલિયાએ ઉમેર્યું હતું કે, તમે તૈયાર કરાવેલી શાળા, કૉલેજ, યુનિવર્સિટી હોસ્પિટલના નામ તમે રાખો તો સારૂ. પણ પહેલાની સરકાર અથવા કોઈ સમાજની સંસ્થા તરફથી તૈયાર કરાયેલી વસ્તુઓનું નામ બદલી તમારૂ નામ ઠોકી બેસાડવું એ પ્રજાની આંખમાં ધૂળ નાંખવાનો ધંધો છે.

છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં આ કામ થઈ રહ્યું છે. હવે પ્રજા ઓળખી ગઈ છે. હૈયાત વસ્તુ સાથે નામ જોડીને પ્રજાની આંખમાં ધૂળ નાંખવામાં આવી રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દરેક મોરચે લડી લેવાના મુડમાં છે. સરકારને ટાર્ગેટ કરવાનો એક પણ મોકો આમ આદમી પાર્ટી ચૂકતી નથી. સોશિયલ મીડિયા સાઈટ ટ્વીટર પર શિક્ષણ અને સ્કૂલને લઈને રાજકીય મોરચે કોઈ યુદ્ધ છેડાયું હોય એવી રીતે પોસ્ટ તથા સરકારી સ્કૂલના ફોટો શેર થઈ રહ્યા હતા.

