સુત્રાપાડામાં રામનવમી પૂર્વે ઉજવણીનું બેનર ફાડી નાંખવામાં આવતા વાતાવરણ તંગ બન્યું હતું. પોલીસે ભાજપના નગરસેવકના બે પુત્રો સહિત ચારની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે. તો આ ઘટનાબાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે બેનર ફાડવામાં નગરસેવકના બે પુત્રો હોય નગરસેવકનું રાજીનામુ લેઈને ભાજપમાંથી સસપેન્ડ કરવા માટે માગ કરી છે.

સુત્રાપાડા શહેરમાં રામનવમીના તહેવારની ઉજવણીને લઇ હિન્દુ સંગઠનો દ્વારા ઠેરઠેર બેનરો લગાડવામાં આવ્યા હતા. તે પૈકીનું એક બેનર રામનવમીના એક દિવસ અગાઉ રાત્રીના સમયે કોઇ શખ્સ ફાડી ગયું હતું. જેને લઇ હિન્દુ સંગઠનોના કાર્યકરો અને જુદા જુદા સમાજના લોકોએ રસ્તા પર બેસી રામધુન બોલાવી વિરોઘ પ્રદર્શિત કરી આરોપીઓને ઝડપી લેવા માંગ કરી હતી. જેને લઇ પોલીસે ગુનો નોંધી શહેરની શાંતિને ડહોળવા પ્રયાસ કરનારા શખ્સોને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.

જેમાં પોલીસે આ કૃત્ય કરનાર સુત્રાપાડાના જ સિરાજ યુનુસ મલેક, શાહબુદ્દિન યુનુસ મલેક, અરબાજખાન રસુલખાન પઠાણ, જાહીબ ઉર્ફે માહિર જહાંગીર મલેકને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી મામલો શાંત પાડ્યો હતો. જો કે, પોલીસે પકડેલા આરોપીઓ પૈકીના સિરાજ યુનુસ મલેક અને શાહબુદ્દિન યુનુસ મલેકના પિતા યુનુસભાઈ મલેક વર્તમાન સુત્રાપાડા નગરપાલિકાના વોર્ડ નં. 2માંથી ભાજપ પાર્ટીના ચાલુ નગરસેવક હોવાનું સામે આવતા મામલો ફરી ગરમાયો છે.

આ મામલે સુત્રાપાડા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના પ્રમુખ દિપક કાછેલાએ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમારને લેખિત પત્ર પાઠવી ભાજપના નગરસેવકનું સભ્યપદેથી રાજીનામુ લેવા અને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા માંગણી કરી છે. પત્રમાં જણાવાયું છે કે, સુત્રાપાડા ખાતે ભગવાન રામની જન્મ જયંતી ઉજવણી નિમિતે સુત્રાપાડાના તમામ હિન્દુ સમાજના યુવાનો-લોકો દ્વારા તમામ જાહેર માર્ગોની સાઇડમાં ધર્મ ધ્વજાઓ, રામચંદ્રજીના પોસ્ટરો લગાડેલા હતા. જેમાં ગત તા. 7 એપ્રિલના રાત્રીના સમયે ભગવાન રામના પોસ્ટરને ફાડીને ખંડીત કરવામાં આવ્યું હતું. જે અંગેની તપાસમાં પકડાયેલા આરોપીઓ પૈકીના બે યુવકો ભાજપના વર્તમાન નગરસેવકના પુત્રો છે. પાર્ટીના જવાબદાર નગરસેવકના પુત્ર દ્વારા આવું વિધર્મી કૃત્ય કરી સમસ્ત હિન્દુ ધર્મના લોકોની લાગણીને ઠેસ પહોંચાડી છે. જેને લઇ તમામ શહેરીજનોમાં રોષ પ્રવર્ત્યો છે. જેને ધ્યાને લઇ ભાજપના નગરસેવકનું રાજીનામું લઇ સસ્પેન્ડ કરવા માંગણી કરવામાં આવી છે.

