મહાનગર સુરતમાંથી હત્યાની ઘટના સામે આવી છે. જ્યાં પરિણિતાની હત્યા એમના પરિવારના સભ્યએ કરી હોવાનું પોલીસ તપાસમાંથી સામે આવ્યું છે. સુરત શહેરના પુણા વિસ્તારમાં રૂ.65 લાખનો વીમો પકવવા માટે કુંભારિયાની પરિણિતાને ટ્રક નીચે કચડાવી હત્યા કરી દેવામાં આવી હતી. પછી આ ઘટનાને અકસ્માતમાં ખપાવવાનું કારસ્તાન પોલીસે પકડી પાડ્યું. પુણા પોલીસે આ કેસમાં અલીગઢતી ષડયંત્ર કરનાર સસરા તથા નણંદની ધરપકડ કરી છે.
પુણા પોલીસ સ્ટેશનની હદમાં આવતા કુંભારિયા ગામે સારથી રેસિડન્સીમાં રહેતા અનુજકુમાર સોહન યાદવે પત્ની શાલિનીની હત્યા કરી નાંખી હતી. પતિ અનુજે પત્ની શાલીનીના નામે રૂ.60થી 65 લાખનો વીમો લીધો હતો. જેને પકવવા માટે શાલીનીની હત્યા કરી દીધા હોવાનું સામે આવ્યું છે. પછી બનાવને રોડ અકસ્માતમાં ખપાવી દેવા માટે પ્લાન બનાવ્યો હતો. આ હત્યા માટે અનુજે નઈમ ઉર્ફે પપ્પુ ઉસ્માન ઈસ્લામની મદદ લીધી હતી. બંનેએ પ્લાન બનાવીને શાલીનીનું ઢીમ ઢાળી દીધું હતું. પહેલા પરિણિતાનું ગળું દબાવીને અર્ધબેભાન કરી દીધી હતી. પછી શાલીનીને ટ્રક નીચે કચડી માર નાંખી હતી. સસરા અને નણંદે મળીને આ પ્રકારનું કાવતરૂ ઘડ્યું હતું. આ કેસમાં પુણા પોલીસે પતિ અનુજ અને તેના સાથી નઈમની ધરપકડ કરી લીધી છે. હાલ બંને જેલવાસ ભોગવી રહ્યા છે. પછી સસરા સોહનસિંહ અને નણંદ નીરૂ ઉર્ફે પૂજા યાદવની ભૂમિકા સામે આવી હતી. બંને વ્યક્તિ પરિણિતા પર કરિયાવરના નામે ત્રાસ દેતા હતા. પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ 16 મહિનાથી સોહનસિંહ અને નીરૂ યાદવ મૃતકની ચાર વર્ષની દીકરી દિયાને લઈને પોલીસથી છુપાતા ફરતા હતા.

મૃતકની ચાર વર્ષની દીકરીની જવાબદારી નાની નાનાને સોંપી દેવામાં આવી છે. આ દરમિયાન પુણા પોલીસને બાતમી મળી હતી કે, બંને ઉત્તર પ્રદેશના મથુરાની એક હોટેલમાં રોકાયા છે. રસ્તામાં બંને આરોપી અલીગઢ પાસે હોવાની ચોક્સ બાતમી પ્રાપ્ત થઈ. પછી પોલીસે વૉચ ગોઠવી હતી અને બંનેને દબોચી લીધા હતા. પછી પોલીસે સોહનસિંહ અને પૂજા યાદવની પૂછપરછ શરૂ કરી હતી. પોલીસ આ કેસમાં હજું પણ તપાસ કરી રહી છે.

