ટંકારા તાલુકાના સાવડી ગામની સીમમાં આવેલ પ્રસિદ્ધ અરણેશ્ર્વર મહાદેવ મંદિરમા બે દિવસ પહેલા મધરાતે લુંટ કરવાના ઈરાદે ગેંગ ત્રાટકી હતી અને મંદિર તેમજ પુજારીના રૂમની લોખંડની જાળી તોડવા પ્રયાસ કર્યો હતો. જો કે તે વખતે મંદિરના વયોવૃધ્ધ પુજારી જાગી જતા લુટારુ ગેંગે મહંત પર લોખંડની કોસ જેવા હથિયારથી પ્રહાર કરી દાનપેટી ઉઠાવી નાસી ગયા હતા. બનાવની જાણ થતા ટંકારા પોલીસ દોડી ગઈ હતી. જો કે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી, જેના અાધારે ગેંગની ઓળખ અને પગેરું મેળવવા પોલીસે તપાસ આરંભી છે.
ટંકારા તાલુકા મથકથી 11 કિમી દૂર જામનગર હાઈવે પર આવેલા સાવડી ગામથી જોધપર ગામ વચ્ચે સીમમાં સુપ્રસિધ્ધ સ્વયંભૂ અરણેશ્ર્વર મહાદેવ મંદિર આવેલું છે. ગુરૂવારે મધરાતે એકાદ વાગ્યે પાંચથી છ અજાણ્યા ધાડપાડુઓ લૂંટ કરવાના ઈરાદે મંદિરમાં ત્રાટકયા હતા. અને મંદિર તથા મંદિરના પુજારીના શયન કક્ષમાં ઘુસવા લોખંડની મજબુત ગ્રીલ તોડવા પ્રયાસ કરી રહ્યા હતા.
એ વખતે ધડાધડ ઝીંકાતા ઘાથી પુજારી કિશોરમહારાજ જાગી ગયા હતા અને પુજારીએ કુનેહ વાપરી પોતાના રૂમમાં પડેલું માઈક ચાલુ કરી બુમાબુમ કરી હતી અને કોલાહલ મચતાં તસ્કરો ભુરાયા થયા હતા. રૂમમા રહેલા પુજારીએ જાળી તુટતી બચાવવા જતા તેઓ ઉપર લોખંડની કોસ જેવા હથિયારથી પ્રહાર કરી, તેમને ઘાયલ કરી લૂંટારુંઓ દાનપેટી ઉઠાવી ગયા હતા

