વિજય રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે રહેલા જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા સામે જિલ્લા ભાજપના કેટલાક આગેવાનોએ મોરચો ખોલ્યો છે. એક મહિલા પહેલા સહકારી ક્ષેત્રના ચાર અસંતુષ્ટ સિનિયર આગેવાનોએ રાજ્ય સરકારમાં જયેશ રાદડિયા સામે એક પત્ર લખ્યો હતો. એટલું જ નહીં ગાંધીનગર જઈને પણ રજૂઆત કરી હતી. જેમાં જિલ્લા સહકારી બેંકમાં થયેલા ભરતીકૌભાંડ તથા થયેલ ગોલમાલ અંગેની વિગત મુખ્ય રહી હતી.

વડાપ્રધાન મોદીને પણ રજૂઆત
આ અંગે હવે વડાપ્રધાન મોદીને પણ રજૂઆત કરાઈ છે એવી વિગત સામે આવી છે. રાજકોટ ભાજપમાં જુથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. આ સાથે હરીફ જુથે એવી પણ ટકોર કરી છે કે, જો આ અંગે નિર્ણય નહીં લેવામાં આવે તો હવે કોર્ટના દ્વાર ખખડાવાશે. જે રજૂઆત કરી છે એમાં અનેક મુદ્દાઓ જોડાયેલા છે. અસંતુષ્ટનો હેતું વિજય રૂપાણી જુથના લોકોને ટાર્ગેટ કરવાનો અને જિલ્લા બેંકમાંથી રાદડિયાને દૂર કરવાનો છે એવા આક્ષેપ થઈ રહ્યા છે. જોકે, આ મોરચો ખોલવો ભાજપના જ નેતા તથા આગેવાનોને ભારે પડી શકે. ખેડૂતોમાં હજુ પણ જયેશ રાદડિયાનો દબદબો છે. જેતપુર, જામકંડોરણાથી રાજકોટ સુધીના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રાદડિયાનો એક પ્રકારનો ઊંડો પ્રભાવ છે.
નીતિન ઢાંકેચા કહે છે…અંતિમ પત્ર
લોધિકા સંઘના પૂર્વ ચેરમેન નીતિન ઢાંકેચા કહે છે કે, રજૂઆત કરી છે એમાં ચોક્કસ નિર્ણય આવે એની રાહ જોવાઈ રહી છે. જોકે, જે સમય આપ્યો હતો એના કરતા વધારે સમય નીકલી ગયો છે. પણ હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. આ અમારો અંતિમ પત્ર છે. જો કોઈ તપાસ કરવામાં નહીં આવે તો હાઈકોર્ટના દ્વાર ખખડાવાશે. બેંકની ભરતી મુદે, બેંકના બોર્ડ ઓફ ડિરેકટરની ચુંટણી, મતદાર યાદી વગેરે અંગે મામલે માંગ કરવામાં આવી છે. આ સાથે સહકારી મંડળીના નિયમો અંગે પણ ઉલ્લેખ કર્યો છે. સહકારી ક્ષેત્રે રહેલા સુત્રો એવું જણાવે છે કે, સહકારી જગતમાં જે બે જૂથ પડી ગયા છે. તેનું સમાધાન થાય તે મુદે સ્થાનિક સહકારી જગતના આગેવાન અને એક ચોક્કસ સમાજના મોભીઓને મધ્યસ્થીએ બેઠક પણ થઇ હતી. પણ આ બેઠક સાવ વ્યર્થ પુરવાર થઈ હોય એવું જાણવા મળ્યું. હાલમાં જે બે ફાટા પડ્યા છે એમાં સમાધાન થઈ જશે કે લડાઈ એના પર સૌની નજર રહી છે.

સહકારી ક્ષેત્રે દબદબો
છેલ્લી બે ટર્મથી ભાજપમાંથી ચૂંટાઈ આવેલા જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાનો રાજકોટ આસપાસના ગ્રામ્ય પંથકમાં દબદબો રહ્યો છે. આ ઉપરાંત તેઓ બે વખત કેબિનેટ મંત્રી બન્યા છે. જામકંડોરણા, ઉપલેટા, ગોંડલ, રાજકોટ, જેતપુર અને ગોંડલ ગ્રામ્યમાં એની પકડ સારી છે. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં તેમણે પોતાના જુથને વિજય અપાવ્યો. એમના પિતા વિઠ્ઠલ રાદડિયા પણ સહકારી ક્ષેત્રે ખૂબ સક્રિય રહ્યા હતા. એ સમયે પણ તેઓ સહકારી બેંક ક્ષેત્રે એક્ટિવ હતા. પિતાના પગલે ચાલીને તેઓએ પ્રાઈમ પોલિટિક્સ કરતા સહકારી ક્ષેત્રે દબદબો યથાવત રાખ્યો છે. વિવાદિત લોધિકા સંઘની ચૂંટણીમાં પણ જયેશ રાદડિયાએ મધ્યસ્થી કરી હતી અને ઘીના ઠામમાં ઘી પડ્યું હતું. રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિરુદ્ધ ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહમંત્રીને પત્ર લખ્યો એ વિષયમાં પણ રીતસર ટાર્ગેટ કરવામાં આવ્યા હોય એવો માહોલ જોવા મળ્યો. લેટરબોંબ સામે આવ્યા બાદ આ વિખવાદ સપાટી પર આવ્યો છે.

