તા.12 ફેબ્રુઆરીના રોજ સુરત શહેરના પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું આરોપી ફેનિલે જાહેરમાં ગળુ કાપી હત્યા કરી દીધી હતી. આ કેસમાં સુરત પોલીસે યુદ્ધના ધોરણે કામગીરી કરતા હવે તમામ પુરાવા અને રજૂઆત બાદ બંને પક્ષની દલીલ પૂરી થઈ ગઈ છે. આ કેસમાં સંભવતઃ 16 એપ્રિલના રોજ ચૂકાદો જાહેર થઈ શકે છે. આ કેસ સાથે જોડાયેલા સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું કે, પોલીસ સહિત ન્યાયિક પ્રક્રિયા ખૂબ ઝડપથી ચાલી છે.

આવનારા સમયમાં આરોપીને આકરમાં આકરી સજા થાય એવી માંગ જજ સમક્ષ કરી દેવામાં આવી છે. બીજી બાજું બચાવકર્તા પક્ષે સતત ત્રણ દિવસ સુધી અંતિલ દલીલ કરી હતી. જેમાં ફેનિલને ફસાવવા માટે ઝડપથી ચાર્જશીટ રજૂ કરી હોવાના આક્ષેપ થયેલા છે. હત્યાના આરોપી ફેનિલ તરફથી ઝમીર શેખ અને અજય ગોંડલિયાએ અંતિમ તથા કાઉન્ટર દલીલો કોર્ટમાં કરી હતી. જે સતત ત્રણ દિવસ સુધી ચાલી હતી. જેમાં ઝમીર શેખે અંતિમ દલીલમાં એવું કહ્યું હતું કે આરોપી ફેનિલ ગોયાણીને ખોટા કેસમાં ફસાવી દેવા અને પોતાની યોગ્ય રજૂઆત ન કરવા દેવા પોલીસે માત્ર સાત જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. કોર્ટને એવું પણ સ્પષ્ટ કર્યું કે, તપાસ અધિકારી તરફથી મીડિયામાં કરેલા નિવેદન પછી સમાજમાં ફેનિલના વિરોધનું વાતાવરણ ઊભું થયું છે. જેથી આરોપીની તરફેણમાં કોઈ જુબાની દેવા માટે તૈયાર નથી. અત્યાર સુધીમાં કોર્ટમાં 190 સાક્ષીમાંથી 105 સાક્ષીની જુબાની નોંધવામાં આવી, 85 સાક્ષીને ડ્રોપ કરાયા, સરકાર પક્ષ દ્વારા ક્લોઝિંગ કરી દેવામાં આવ્યું. જેથી કોર્ટમાં આરોપી ફેનિલનું ફરીથી નિવેદન લેવામાં આવ્યું હતું.

બચાવપક્ષ તથા સરકાર પક્ષની દલીલોની બાકીની કેસ કાર્યવાહી બાદ કેસનો ચુકાદો સંભવતઃ 16મી એપ્રિલે જાહેર થાય એવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. જોકે, છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા કેસમાં સજા ફટકારવા માટેનું એલાન થાય એવી ક્ષણ આવી ચૂકી છે. આવનારા ટૂંક સમયમાં જ સુરત જિલ્લા કોર્ટ આ કેસ અંગે કોઈ મહત્ત્વનો ચૂકાદો જાહેર કરી શકે છે. હાલમાં ફેનિલ સુરતની લાજપોર જેલમાં બંધ છે.

