જસદણ તાલુકાના ભંડારીયા ગામેથી કુકર્મનો કેસ સામે આવ્યો છે. જેમાં સગીરા પર એના જ ફઈના છોકરાએ દુષ્કર્મ કરતા ગર્ભ રહી ગયા બાદ સમગ્ર કિસ્સો સામે આવ્યો હતો. જસદણ તાલુકાના ભંડારીયા ગામે વાડીમાં રહીને મજૂરીકામ કરતો મૂળ મધ્યપ્રદેશનો પરિવાર આ ઘટનાથી ચોંકી ગયો છે. આ પરિવારની સગીરા હોળી પર પોતાના ફઈને ત્યાં મધ્યપ્રદેશ ગઈ હતી. અચાનક સગીરાને પેટમાં અસહ્ય દુઃખાવો થતા સારવાર હેતું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા.
જ્યાં તપાસ દરમિયાન સગીરાના પેટમાં ત્રણ મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. તેથી હોસ્પિટલ ચોકીએ ભાડલા પોલીસ મથકે જાણ કરી છે. પોલીસે સગીરાનું નિવેદન લઈને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. 15 વર્ષની સગીરાએ પેટમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. વિગત એવી જાણવા મળી કે, ત્રણ મહિના પહેલા ફઈ એને વતન મધ્ય પ્રદેશમાં લઈ ગયા હતા. હોળીનો તહેવાર મનાવીને તે ગુજરાત પરત આવી હતી. રવિવારે અચાનક પેટમાં દુઃખાવો ઉપડતા પહેલા સરધાર અને પછી રાજકોટ સિવિલમાં સારવાર હેતું ખસેડાઈ હતી.પોલીસને વાત કરતા સીગરાએ કહ્યું કે, એના ફઈના દીકરાએ એની સાથે બળજબરી કરી હવસનો શિકાર કર્યો હતો. આ અંગે પોલીસે મધ્ય પ્રદેશ પોલીસનો સંપર્ક કરીને જરૂરી કાર્યવાહી કરવા તપાસ શરૂ કરી દીધી છે. આ પહેલા પડઘરીમાંથી એક સાવકા પિતાએ દીકરીનો આ જ રીતે શિકાર કર્યો હોવાની વિગત સામે આવી હતી. ખાસ કરીને બીજા રાજ્યમાંથી મજૂરી કામ હેતું આવતા પરિવારની દીકરીઓ આવી હવસનો શિકાર બની હોય એવા કેસ વધારે છે.

જેમાં કુકર્મ આચરનાર મોટાભાગે પરિવારની નજીકનો વ્યક્તિ હોવાનું સામે આવે છે. ખાસ કરીને મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના ઘણા પરિવારો ગુજરાતમાં ખેત મજૂરી કરવા માટે આવે છે. જેના પરિવારજનો બીજા રાજ્યમાં હોય છે. પડઘરીના કેસમાં પણ જ્યારે પોલીસે જ્યારે ધરપકડ કરી ત્યારે ઘણી વિગત સામે આવી હતી. ઘણી વખત પરિવારની ઈજ્જત જવાની બીકે કેટલીક યુવતીઓ આ પ્રકારના કેસમાં કોઈ ફરિયાદ નોંધાવતી નથી. પણ જ્યારે હકીકત સામે આવે છે ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે

