મોરબીના એક શિક્ષકને IPO અરજીની પ્રક્રિયામાં થયેલી કથિત બેદરકારીને કારણે થયેલા નાણાકીય નુકસાનના મામલે અંતે રૂ. 50,000નું વળતર મળ્યું હોવાનું સામે આવ્યું છે. સતત રજૂઆતો અને કાનૂની નોટિસ બાદ બેંક દ્વારા કોર્ટમાં કેસ થાય તે પહેલાં જ વળતર ચૂકવવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
મળતી માહિતી મુજબ, શિક્ષક યશલભાઈ રાજાએ IPO માટે સમયસર બેંકમાં અરજી કરી હતી. જોકે, અરજીની પ્રક્રિયામાં કથિત બેદરકારીને કારણે અરજી સમયસર પ્રક્રિયા થઈ શકી નહોતી, જેના પરિણામે તેમને સંભવિત નાણાકીય નુકસાન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આ મામલે યશલભાઈ રાજાએ પોતાના હક માટે સતત રજૂઆતો કરી હતી. બેંકના HR વિભાગ અને ઉચ્ચ અધિકારીઓને અંદાજે 30 જેટલા ઇ-મેઇલ દ્વારા સમગ્ર મામલે યોગ્ય ન્યાય અને વળતરની માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે માર્ગદર્શન આપતા લાલજીભાઈ મહેતા અને રામભાઈ મહેતાની સલાહ તેમજ વકીલ આશિષભાઈ મુરલીયાની કાનૂની નોટિસ બાદ મામલાએ ગંભીર વળાંક લીધો હતો. અંતે કોર્ટમાં કેસ દાખલ થાય તે પહેલાં જ બેંક દ્વારા શિક્ષકને રૂ. 50,000નું વળતર ચૂકવવામાં આવ્યું હતું.
આ ઘટનાએ ગ્રાહકોને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત રહેવા અને કોઈપણ પ્રકારના નાણાકીય નુકસાન કે સેવામાં ખામી સામે યોગ્ય માધ્યમથી સતત અને કાયદેસર રજૂઆત કરવાનો સંદેશ આપ્યો છે.

