વિધાનસભાની ચૂંટણી પહેલા જ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે રાજકારણમાં આવવાની જાહેરાત કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તેમજ તેણે ખોડલધામની સમિતિઓ દ્વારા નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ કરવો કે કેમ અને ક્યાં પક્ષમાં જોડાવવું તે અંગે સરવે હાથ ધર્યો હતો. જે સરવે હવે પૂર્ણ થતા આગામી દિવસોમાં નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ અંગેની સત્તાવાર જાહેરાત કરશે. તેમજ ક્યાં પક્ષ સાથે જોડાશે તેની પણ તે પોતે સત્તાવાર જાહેરાત કરી શકે તેમ છે.

નરેશ પટેલ એપ્રિલ મહિનામાં પોતે રાજકારણમાં જોડાશે કે કેમ તેની સત્તાવાર જાહેરાત કરશે. પરંતુ આ બધાની વચ્ચે નરેશ પટેલ અને પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં જોડાવા અંગેની ચર્ચાએ વેગ પકડ્યો છે. નરેશ પટેલ કોંગ્રેસના સંગઠનમાં જોડાઈ તો પ્રશાંત કિશોર તેમને મદદ કરી શકે છે પરંતુ આ વાત ત્યારે માની શકાય જ્યારે નરેશ પટેલ કોઈ સત્તાવાર જાહેરાત કરશે.

ઉદ્યોગપતિ અને પ્રભાવશાળી પાટીદાર નેતા નરેશ પટેલને કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરવામાં આવી શકે છે. ટૂંક સમયમાં નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. પ્રશાંત કિશોર પણ કોંગ્રેસમાં જોડાઈ શકે તેવી અટકળોએ જોર પકડ્યું છે. જ્યારે પ્રશાંત કિશોરને પત્રકારો દ્વારા આ અટકળો વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તમણે ફેક ન્યૂઝ ગણાવીને આ વાતને નકારી કાઢી હતી. પરંતુ રાજકારણ એક એવું ક્ષેત્ર છે જેમાં અંતિમ ઘડીએ કંઈ પણ થઈ શકે છે.

