શહેરના રાજમાર્ગો ઉપર રખડતા ઢોરનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. જેના કારણે અકસ્માતો સર્જાઈ રહ્યાં છે. તો કેટલાક અકસ્માતોમાં નિર્દોષોએ જીવ ગુમાવવો પડી રહ્યો છે. આ સમસ્યાના ઉકેલ માટે હાઈકોર્ટે સરકાર સામે લાલઆંખ કરતા રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. 31મીએ આ બિલ વિધાનસભામાં રજૂ કરાશે. જે મુદ્દે રાજકોટમાં માલધારી સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રખડતા ઢોરની વૈકલ્પિક વ્યવસ્થા કરી વિધાનસભામાં બિલ પસાર કરવા જણાવ્યું છે.

આ બિલની જોગવાઇ મુજબ કાયદો અમલમાં આવ્યા બાદ જાહેરનામાથી શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા પર પ્રતિબંધ જાહેર કરાશે.શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા માટે પશુપાલકે લાઈસન્સ લેવું પડશે. મંજૂરીથી રાખેલા તમામ ઢોરને ટેગ લગાવવી પડશે. આ કાયદાના ભંગ બદલ 1 વર્ષ સુધીની કેદની સજા અને ઓછામાં ઓછા 5 હજારથી વધુમાં વધુ 20 હજાર સુધીના દંડની જોગવાઇઓ બિલમાં કરવામાં આવી છે. આ સિવાય અન્ય વિવિધ નિયમોના ભંગ બદલ પણ આકરા દંડ અને સજાની જોગવાઇ કરવામાં આવી છે.પશુપાલકે કાયદો અમલમાં આવ્યાના 90 દિવસમાં લાઈસન્સ મેળવવું પડશે. લાઈસન્સ મળ્યાના 15 દિવસમાં ઢોરને ટેગ લગાવવાની રહેશે. સ્થાનિક સત્તામંડળ આ માટે લાઈસન્સ ઇન્સ્પેક્ટર નિયુક્ત કરશે.

આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં ગમે ત્યાં ઘાસનું વેચાણ થઇ શકશે નહીં. સત્તામંડળ દ્વારા નક્કી કરાયેલા શહેરી ગોચર વિસ્તારોમાં જ ઘાસચારાનું વેચાણ થઇ શકશે. બિલની જોગવાઇ મુજબ જો પ્રતિબંધિત વિસ્તારમાં ઘાસનું વેચાણ થાય તો પ્રથમવાર 10થી 50 હજાર સુધીનો દંડ અને બીજીવારના ગુનામાં એક મહિનાની કેદ અથવા 50 હજારથી 1 લાખ સુધીનો દંડ થશે. શહેરી વિસ્તારોમાં ઢોર રાખવાના લાઈસન્સ આપ્યા બાદ તે ઢોરને ટેગ લગાવવી પડશે. આવી ટેગ સાથેના ઢોર પકડાવાના કિસ્સામાં પ્રથમવાર 5 હજાર, બીજીવખત 10 હજાર અને ત્રીજી વખત 15 હજારનો દંડ લેવાની સાથે માલિક સામે ફોજદારી ગુનો પણ દાખલ કરાશે. દંડ વસૂલીને ઢોર માલિકને પરત અપાશે.

