HomeGujaratવિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં રીસામણા-મનામણા,પ્રમુખે કહ્યું કોઈ નારાજ નથી

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં રીસામણા-મનામણા,પ્રમુખે કહ્યું કોઈ નારાજ નથી

વિધાનસભાની ચૂંટણી પહેલા દરેક પક્ષ દરેક મોરચે સક્રિય થવા જઈ રહ્યો છે. ખાસ કરીને કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે એવી સ્થિતિ છે. જેના થાળે પાડવા માટે દિવસ રાત સિનિયર ગણાતા નેતાઓ દોડાદોડી કરકી રહ્યા છે. ખાસ કરીને હાઈકમાન્ડ સાથે મિટિંગ કરીને આવેલા નેતાઓ જે તે જિલ્લામાં સક્રિય થઈને લોકસંવાદ કરી રહ્યા છે. ટૂંક સમયમાં સભ્ય અભિયાન પણ શરૂ થશે. પણ એ પહેલા કોંગ્રેસના ધારાસભ્યોને સાચવી લેવાની દોડધામ શરૂ થઈ ચૂકી છે.

આ પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસના નારાજ ધારાસભ્ય અશ્વિન કોટવાલ અંગે જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, મારે અશ્વિનભાઈ સાથે વાતચીત થઈ છે. વ્યક્તિગત રીતે એમને ઓળખું છું. એમાં કોઈ હેરાનગતિ વાળો પ્રશ્ન નથી. અશ્વિનભાઈ સાથે અમારી મિટિંગ હતી. ફોન કરને કહ્યું કે એમના પિતાની તબિયત નરમ છે. એટલે સારવાર હેતુ બેંગ્લોર લઈ ગયા હતા. મીડિયા આવી વાત ચાલી હતી. કોંગ્રેસનો વફાદાર સૈનિક છું મારો પરિવાર કોંગ્રેસી છે એવી વાત તેમણે પણ મીડિયા સામે સ્પષ્ટ કરી હતી. તેમણે એવું પણ કહ્યું કે, મીડિયા મિત્રોને મારી વિનંતી છે કે, એ ગેરહાજર છે તો કેમ ગેરહાજર છે એ જાણીને સમાચાર ચલાવો. આમાં કોઈ કોંગ્રેસ છોડવાની વાત નથી. સત્ય પ્રજા સુધી જવું જોઈએ.

અશ્વિન કોટવાલ ત્રીજી ટર્મના ધારાસભ્ય રહ્યા છે. ખેડબ્રહ્માથી ચૂંટણી લડ્યા છે. અશ્વિન કોટવાલના વિપક્ષ પદે સુખરામ રાઠવાને જ્યારથી બેસાડ્યા ત્યારથી કોંગ્રેસ હાઈકમાન્ડથી તે નારાજ છે. વિધાનસભા સત્રમાં તો દૂર પણ ગાંધીનગરમાં પણ દેખાયા નથી. રાજકીય લોબીમાંથી સુત્રો એવું પણ કહે છે કે, તે ચૂંટણી નજીક આવતા ભાજપમાં જોડાઈ શકે છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સમય નક્કી થયો નથી. તા.1 એપ્રિલના રોજ એમના મતક્ષેત્ર પોશિનામાં આદિવાસીઓનો ઐતિહાસિક મેળો છે. આ મેળા બાદ કોટવાલ કોઈ નિર્ણય જાહેર કરી શકે છે.

હિંમતનગરમાં રહેતા એમના વેવાઈના ઘરે ચાલી રહેલી રાજકીય ચહલપહલથી આ અંગેના સંકેત મળ્યા છે. જોકે, હજુ સુધી એવા કોઈ સંકેત નથી કે આ નિર્ણયમાં શું હોઈ શકે છે. પણ કોઈ પદની આશાથી તેઓ પગલું લઈ શકે છે. એવામાં પ્રદેશ પ્રમુખે પાર્ટીમાં બધુ બરોબર છે એવો દાવો કર્યો છે. પણ ચૂંટણી પહેલાની રાજરમતમાં કેટલાય ખેલાડીઓ ટીમ છોડીને જતા રહે તો નવાઈ પામવા જેવું નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW