દેશના ગમે તે ખૂણામાંથી જ્યારે પણ કોઈ સ્મશાન યાત્રા નીકળે છે ત્યારે સૌ કોઈ થોડા સમય માટે ઊભા થઈ હાથ જોડીને માન આપે છે. એક પછી કોઈ પણ જાતિ,જ્ઞાતિ કે ધર્મની હોય, કોઈ પણ સમુદાય કે સંપ્રદાયની હોય. પણ અમરેલીમાં જાણે તંત્રની સંવેદન ગ્રંથી સુકાઈ ગઈ હોય એવું ચિત્ર સામે આવ્યું છે. મોતનો મલાજો ન જાળવનાર વહીવટી તંત્ર સામે અમરેલીની પ્રજામાંથી રોષની જ્વાળા ઊઠી છે. અમરેલી જિલ્લાના વડીયા સુરવો નદીમાં કુદીને એક દિવ્યાંગે મોતને વ્હાલું કર્યું છે. ભારે જહેમત બાદ નદીમાંથી દિવ્યાંગનો મૃતદેહ મળી આવ્યો હતો.
પણ આ દિવ્યાંગના મૃતદેહને લારીમાં લઈ જવામાં આવ્યો હતો. એક ગરીબના મૃતદેહને શબવાહિનીના બદલે થ્રી વ્હીલ લારીમાં લઈ જવાની લાચારી સામે તંત્રની સુકાઈ ગયેલી સંવેદન ગ્રંથીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેના કારણે ચકચાર મચી ગઈ છે. પ્રજા પણ સરકાર સામે રોષે ભરાઈ છે. તંત્રની આવી બેદરકારી સામે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મૃતકના પરિવારજનો મૃતદેહને લારીમાં નાંખીને લલઈ ગયા હતા. જ્યાં મામલતદાર અને પોલીસના અધિકારીઓ હાજર હોવા છતાં કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. મૃતકના ભાઈએ શબને લારીમાં લાવી પછી અંતિમવિધિ કરી હતી. માર્કેટમાંથી લારીમાં લઈ પસાર થતા મૃતદેહનો વીડિયો ભલભલાને હચમચાવી શકે એમ છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. અમરેલી જિલ્લાના વડિયાના સુરવો નદીમાં કુદીના દિવ્યાંગે જીવન ટૂંકાવ્યું હતું. આવું પગલું શા માટે ભર્યું એ અંગે હજુ સુધી કોઈ વિગત સામે આવી નથી.
પણ વિકાસશીલ ગણાતા ગુજરાતમાંથી આ શરમજનક વીડિયો સામે આવ્યો છે. ક્યારેક ગુજરાતના જિલ્લાઓમાંથી એવી ઘટનાઓ સામે આવે છે કે, ભલભલા વ્યક્તિના રૂંવાડા ઊભા થઈ જાય છે. આ કેસમાં વીડિયો ક્યારનો છે એ અંગે કોઈ પ્રકારની પુષ્ટિ થઈ નથી.

