રાજ્યમાં પેપરકાંડ બાદ ગુજરાત બોર્ડ એક્શન મોડમાં આવ્યું છે. આગામી 28 માર્ચથી શરૂ થનારી ધો. 10-12 બોર્ડની પરીક્ષાના પેપરો પણ સ્ટ્રોંગરૂમમાં મોકલી દેવાયા છે. તેમજ આ પરીક્ષા પેપરનું પેકેટ નિયત સમય કરતા વહેલા તોડવામાં આવશે તો શાળાના આચાર્ય કે પછી સિનિયર શિક્ષક સામે પોલીસ ફરિયાદ કરવાની સૂચના આપી દેવાઈ છે. તેમજ પરીક્ષાના પેપરના પેકેટ શિક્ષકોએ સીસીટીવી સામે અને બે વિદ્યાર્થીની સાક્ષીમાં ખોલવાના રહેશે.

પાણીવાળા કે સફાઇ કામદાર કાપલીની હેરાફેરી અથવા સાંકેતિક રીતે ગેરરીતિમાં મદદ કરશે તો કામગીરીથી દૂર કરાશે અને મહેનતાણું ચૂકવાશે નહીં. આવી જ ગેરરીતિ પ્યૂન કરશે તો તેની સામે પણ કડક પગલાં લેવાશે. ક્લાસમાં વિદ્યાર્થી પાસે પુસ્તક કે કાપલી સહિતનું કોઇ સાહિત્ય મળી આવશે અથવા માસ કોપી કેસ આવશે તો શિક્ષક કે ક્લાર્કને પરીક્ષાની કાયમી કામગીરીથી દૂર કરી ફરજ મોકૂફ કરાશે.

આન્સર બુકમાં જવાબ નહીં તપાસસે કે સરવાળામાં ભૂલ કરશે અથવા ઇરાદા પૂર્વક વધારે કે ઓછા ગુણ આપશે તો પ્રિન્સિપાલ કે શિક્ષકને 3 વર્ષ માટે પરીક્ષાની કામગીરીથી દૂર કરાશે, મહેતાણું નહીં મળશે અને ભૂલ દીઠ મહેનતાણામાંથી રૂ. 100 કપાશે. પેપર સમયસર મોકલવામાં ઢીલ કરશે તો એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાશે.

