મહાનગર અમદાવાદના વિસ્તાર એવા બોપલમાં રૂ.78.05 કરોડના ખર્ચે બની રહેલા ઓવરબ્રિજના ચાલુ કામમાં તા. 21મી ડિસેમ્બર 2021ના રોજ રાત્રીના 12.00 વાગ્યે બ્રીજનો સ્લેબ તૂટી ગયો હતો. સદનસીબે આમાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. આ ઘટના પછી બ્રિજનું કામ બંધ કરી સરકારે યુદ્ધના ધોરણે તપાસના આદેશ આપ્યા હતા. આ તપાસ અઢી મહિના પહેરા પૂરી થઈ ગઈ છે. પણ ઔડાએ ફરીથી એ જ કંપની માટે અપીલ કરી છે. જે અગાઉ આ કામમાં રોકાયેલી હતી.

આ ઘટનામાં કોન્ટ્રાક્ટર સામે કોઈ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. ચોંકાવનારી વાત એ છે કે, રણજીત બિલ્ડકોન નામની કંપની જે જવાબદાર હતી એને જ ફરીથી બ્રીજ બનાવવાનું કામ આપવા માટે મંજૂરી ઔડાએ માંગી છે. આટલો મોટો બ્રીજ તૂટી ગયો હોવા છતાં એમની સામે કોઈ પ્રકારની કાર્યવાહી થઈ નથી. હવે જેની બેદરકારી હતી એને જ કામ દેવા માટે પરવાનગી સરકાર પાસે મંગાઈ રહી છે. આ ઘટના જ્યારે બની ત્યારે કેટલા શ્રમિકો ત્યાં કામ કરી રહ્યા હતા અને ટ્રાફિક પણ ભારે હતો. સદનસીબે આ દૂર્ઘટનામાં કોઇ જાનહાની થઈ ન હતી.આ સમગ્ર ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પછી ઘણા સમય સુધી આ સાઈટ બંધ કરી દેવામાં આવી હતી. ઔડાએ રણજિત બિલ્ડકોનને બ્રીજનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જ્યારે DELF કન્સલ્ટીંગ એન્જિનિયર્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમીટેડ કંપની બ્રિજની ડિઝાઈન તૈયાર કરી હતી. જ્યારે કોન્ટ્રાક્ટ અપાયો ત્યારે 30 મહિનામાં જ બ્રિજનું કામ પૂર્ણ કરી આપવાની જવાબદારી નક્કી કરાઈ હતી.

પણ વચ્ચે આવી ઘટના બનતા કામમાં મોડું થયું હતું. એક બાજું ચૂંટણી નજીક આવી રહી છે અને મોટા પ્રોજેક્ટ પૂરા કરવાની ગણતરી થઈ રહી છે ત્યારે ફરી એ જ કંપનીને કામ દેવાનો પ્રશ્ન સામે આવ્યો છે. જો બધુ યોગ્ય રહ્યું હોત તો ફેબ્રુઆરીમાં આ બ્રીજનું પણ લોકાર્પણ થવાનું હતું. બ્રિજ બનાવવાની અંદાજિત કિંમત રૂપિયા 66.79 કરોડથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. બ્રીજની કામગીરીને લઈને અમદાવાદની પ્રજામાં રોષ છે. સ્થાનિકો ત્યાં સુધી કહે છે કે, આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને તેની સામે કાર્યવાહી થવી જોઈએ.

