કેન્દ્ર સરકારના ભારત માલા પ્રોજેક્ટ સામે ગુજરાત ત્રણ જિલ્લાઓના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત જુદા જુદા જિલ્લાઓને-રાજ્યોને જોડાતા હાઈવે તૈયાર થઈ રહ્યા છે. ગુજરાતમાં આ પ્રોજેક્ટ અંતર્ગત સાંચોરથી અમદાવાદ સુધીના હાઈવે પ્રોજેક્ટનું કામ પણ શરૂ થવાનું છે. પણ હાલમાં હાઈવેના નિર્માણ માટે ખેડૂતોની જમીન સંપાદિત કરવાની કામગીરી ચાલી રહી છે. જોકે, આ પ્રોજેક્ટનો બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર તથા પાટણ જિલ્લાના ખેડૂતોએ વિરોધ કર્યો છે.
ખેડૂતો જમીન વગરના થતા હોવાને કારણે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ મામલે ખેડૂતોની એક બેઠક મળી હતી. જેમાં આ અંગે એક વિરોધ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર તરફથી ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત આખા દેશમાં મોટા હાઈવે બનાવવા માટેનું કામ ચાલું છે. ગાંધીનગર, મહેસાણા અને પાટણ જિલ્લાના કુલ 46 ગામના ખેડૂતોએ આ વિરોધ કર્યો છે. કારણ કે, આ રોડ તૈયાર થવાથી એમના ખેતરને માઠી અસર થઈ રહી છે. તેથી આ પ્રોજેક્ટ સામે રોષ જોવા મળી રહ્યો છે. જોકે, આ પ્રોજેક્ટ માટે હાઈવે માટે બીજી સાઈટ પસંદ કરવામાં આવે એવી સરકારને રજૂઆત પણ કરવામાં આવી છે. જો આ રજૂઆત બાદ કોઈ પ્રકારે આનો નીવેડો નહીં આવે તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. જોકે, ઘણી વખત હાઈવેના પ્રોજેક્ટમાં આવતી જમીનને સરકારને આપી દેવી પડે છે. જેની સામે સરકાર કેટલુંક આર્થિક વળતર પણ આપે છે.

પણ ઘણા એવા કિસ્સાઓ બન્યા છે જેમાં નક્કી કરેલું વળતર ખેડૂતો સુધી પહોંચ્યું જ નથી હોતું. આ ઉપરાત ખેતર અડધું થઈ જતું હોવાથી પાકના ઉત્પાદનને પણ અસર થાય છે. જેના કારણે આ ત્રણ જિલ્લાના 46 ગામના ખેડૂતોએ કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ સામે બાંયો ચડાવી છે. જોકે, આ મામલે ગાંધીનગર સુધી રજૂઆત પણ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ પહેલા બનાસકાંઠામાંથી ખેડૂતોએ ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. દિયોદર તાલુકામાંથી ખેડૂતો પ્રાંત કચેરી સુધી પહોંચ્યા હતા. કોટડા, ઓઢા, સરદારપુર ગામના ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ ઉપરાત જમીન સંપાદિત કરીને યોગ્ય વળતર આપવા માટે માંગ કરી હતી. બનાસકાંઠાથી વાયા કોડટા જેવા વિસ્તારમાંથી પસાર થઈને આ રસ્તો છેક અમદાવાદ સુધી જાય છે. એટલે આઠ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ આ અંગે વિરોધ નોંધાવ્યો છે.

