સમગ્ર રાજ્યમાં રંગપર્વની ઉજવણી કરવામાં આવી છે. રાજકોટ શહેર કાર્યાલયમાં હોલી કે રંગ, ભાજપા કે સંગ ધુળેટી મહોત્સવ યોજાયો હતો. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે નરેશ પટેલ ભાજપ સાથે જ રહેશે તેમ જણાવી નરેશ પટેલનો ભાજપમાં આવવાનો સંકેત આપી દીધો હતો.

આજે ધુળેટી એટલો રંગોનો તહેવાર છે. ભાજપનું પણ 4 રાજ્યોમાં કમળ ખીલતા સમગ્ર દેશમાં ભાજપ દ્વારા બેવડી ખુશીને લઇ વિજયોત્સવ સાથે ધૂળેટીનો તહેવાર ઉજવી રહ્યા છીએ. ડીજેના નાદ સાથે રંગોથી એકબીજાને કલર લગાવી અભિનંદન સાથે ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છીએ અને સમગ્ર વાતાવરણ અબીલ ગુલાલના રંગોથી છવાઈ જવા પામ્યું છે.

રાજકોટ શહેર કાર્યાલય ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, મંત્રી અરવિંદ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદ પટેલ અને લાખા સાગઠીયા, શહેર પ્રમુખ કમલેશ મીરાણી સહીત આગેવાનો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા. જ્યાં ડી.જે અને બેન્ડની કર્ણપ્રિય સુરાવલીની રમઝટ અને કરાઓકે દ્વારા શહેરના ખ્યાતનામ ગાયકો સંગીતના સૂરોના સથવારે અને રાજસ્થાની નૃત્યની જમાવટ સાથે શહેર ભાજપ દ્વારા તિલક હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે.

