એરપોર્ટથી કમલમ સુધીના ભવ્ય રોડ શો બાદ વડાપ્રધાન મોદી કમલમમાં ભાજપના ધારાસભ્યો, સાંસદો, પક્ષના હોદ્દેદારો સાથે સંવાદ સાધ્યો હતો. આ બેઠક માટે પદાધિકારીઓ સહિત માત્ર 430 આગેવાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તો બીજી તરફ નેતાઓને ચૂંટણી લક્ષી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. તેમજ નેતાઓને આકરી ટકોર પણ કરી હતી.

પીએમ મોદીનું ભાજપના કાર્યાલય કમલમમાં ભાજપના નેતાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. કમલમમાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિતના નેતાઓએ ફૂલથી પીએમ મોદીને આવકાર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઠ કિલોમીટરનો રોડ શો કરી ભાજપના કાર્યાલય કમલમ પહોંચ્યા. જ્યાં પીએમ મોદીનું ઢોલ-નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું. કમલમમાં પીએમ મોદી પર પુષ્પવર્ષા કરવામાં આવી. પીએમ મોદીએ કમલમમાં સાંસદ, ધારાસભ્યો સહિત ભાજપના નેતાઓ સાથે બેઠક યોજી હતી.

કમલમમાં યોજાયેલી ભાજપના નેતાઓ અને પદાધિકારીઓની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાઓના ક્લાસ લીધા હતાં. જેમાં તેમણે નેતાઓને ટકોર કરી હતી કે, દરેક નેતાઓએ લોકોની વચ્ચે જઈને કામ કરવાનું છે. ચૂંટણી આવી રહી છે ત્યારે લોક સંપર્ક ઉપર પણ ભાર મુકવામાં આવ્યો છે.

તેમજ સંગઠનની બંધ થયેલી ટિફીન બેઠક પણ ફરીથી શરૂ કરવા માટે જણાવ્યું હતું. તેમજ આગામી 10 વર્ષના વિકાસકામોની યાદી તૈયાર કરવા માટે પણ ટકોર કરી દીધી છે. તો ભાજપમાં વધી રહેલા જૂથવાદને જોતા વડાપ્રધાને નેતાઓ અને કાર્યકરો વચ્ચે સંકલન વધારવા માટે જોર આપ્યું હતું.

