રાજકોટ શહેરમાંથી ખાનગી સ્કૂલની મનમાની ફરી એકવખત સામે આવી છે. રાજકોટની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ફી ન ભરનાર વિદ્યાર્થીઓને પરીક્ષાની હોલ ટિકિટ ન આપતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. ફી ન ભરનારા વાલીઓ સ્કૂલે પહોંચ્યા હતા અને સ્કૂલની બહાર વિરોધ કરવાનું ચાલું કરી દીધું હતું. મોટી સંખ્યામાં વાલીઓ ભેગા થઈ જતા ટિકિન ન આપતા રોષ વ્યક્ત કર્યો હતો. આવતી કાલથી પરીક્ષા શરૂ થઈ રહી છે. એ પહેલા હોલ ટિકિટ ન આપતા વાલીઓની ચિંતામાં એકાએક વધારો થયો છે.
જીજ્ઞાબેન નામના એક વાલીએ કહ્યું કે, અમારે પ્રશ્ન ફીનો છે. અમુક વાલીઓએ ફી ભરી નથી અથવા તો એની થોડી ફી બાકી છે. હાલ એ સંતાનોને કોઈ રીતે ટિકિટ આપવામાં આવી નથી. આવતીકાલતી છોકરાઓની પરીક્ષા શરૂ થાય છે. છેલ્લા બે વર્ષથી અમે સ્કૂલે ધક્કા ખાઈ રહ્યા છીએ. દર વખતે પેરેન્ટ મિટિંગ કરીશું અને વ્યક્તિગત રીતે બોલાવીશું પણ માત્ર વાતો જ થાય છે. જે થવું જોઈએ એવું થયું નથી. આવતીકાલથી વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થાય છે. અમે અમારા બાળકોના એજ્યુકેશનને લઈને પરેશાન છીએ. વિદ્યાર્થીઓને ટિકિટ આપો અને ફીમાં થોડી રાહત આપો. જ્યારે સ્કૂલના પ્રિન્સિપાલને મળવાની વાત આવે ત્યારે હાલમાં તે નહીં મળી શકે એવું કહેવામાં આવ્યું હતું. આગામી અઠવાડિયે પ્રિન્સિપાલ વાલી મંડળ સાથે એક બેઠક કરશે એવું કહેવામાં આવ્યું હતું. અન્ય એકવાલી મનીષભાઈ જણાવ્યું કે, અમે તમામ વાલીઓ સ્કૂલમાં રજૂઆત માટે ભેગા થયા થયા હતા. સ્કૂલના શિક્ષકો સાથે પણ વાતચીત થઈ હતી. પણ અડધા વિદ્યાર્થીઓને આપી બાકીનાની હજુ બાકી છે. જ્યારે સંતાનોએ કહ્યું કે, હજુ સુધી હોલ ટિકિટ આપી નથી તો ચિંતા વધી ગઈ.
હાલ તો સ્કૂલ એવું કહે છે કે, અમે વિદ્યાર્થીઓને સ્કૂલમાં બેસાવ માટે મંજૂરી આપીશું. ફીનો મુદ્દો છે ત્યાં સુધી કોરોનાના મારમાંથી વાલીઓ ઊભા થયા નથી. વાલીઓની કમર ભાંગી ગઈ છે. ઓનલાઈનમાં વિદ્યાર્થીઓને પૂરતુ એજ્યુકેશન મળતું નથી. એટલે સ્કૂલના તંત્રએ વાલીઓ સાથે બેઠક કરીને આ પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ. જો આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો અમે રાજકોટના ક્લેક્ટરને રજૂઆત કરીશું. સરકાર સુધી આ વાત પહોંચાડીશું.

