ક્રિકેટર ચેતેશ્વર પુજારાના ગુરૂ અને ગોંડલ રામજી મંદિરના મહંત હરિચરણદાસ બાપુની તબિયત નાદુરસ્ત છે. તેમની સારવાર કેવડિયા નજીક ગોરા આશ્રમમાં ચાલી રહી છે. સારવાર માટે ગોંડલના તબીબોને ગોરા આશ્રમ બોલાવવામાં આવ્યા છે.

હરિચરણદાસ બાપુની ઉંમર 100 વર્ષની છે. ગંભીર તબિયતને કારણે તેમના અનુયાયીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. ભાવિકો દ્વારા સ્વસ્થ તબિયતને લઇને પ્રાર્થના કરવામાં આવી રહી છે. આ અંગે આશ્રમના સેવકે જણાવ્યું હતું કે, ગુરુદેવને ઓક્સિજન પર રાખ્યા છે. હરિચરણદાસ બાપુને શ્વાસની સમસ્યા સાથે ઇન્ફેક્શન થયાનું અને હાલ ગંભીર હાલત હોવાનું કિશોરભાઈ ઉનડકટે જણાવ્યું હતું.

હાલ બાપુને 100 વર્ષ થયા હોય શતાબ્દી મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. રણછોડદાસ બાપુના શિષ્ય ગણાતા હરિચરણદાસ બાપુ છેલ્લા એક મહિનાથી નર્મદા તટે આવેલા ગોરા આશ્રમમાં છે. ત્યાં તેને જૂની શ્વાસની બિમારીએ ઉથલો મારતા આશ્રમ ખાતે તૈયાર કરાયેલા આઇસીયુ રૂમમાં તૈનાત તબીબી ટીમ દ્વારા સઘન સારવાર શરૂ કરાઇ છે. પરંતુ હાલત નાજુક બનતા ગોંડલથી તબીબી ટીમ સત્વરે ગોરા આશ્રમ રવાના થઈ છે.

