રાજ્યમાં છેલ્લા છ મહિનામાં વાયરલેસ ટેલિકોમ સબ્સક્રાઈબર એટલે કે મોબાઈલ ફોન યુઝર્સની સંખ્યામાં 25 લાખથી વધુનો ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં જૂન 2021માં 7 કરોડ યુઝર્સ હતાં જેમાંથી ઘટી ડિસેમ્બરમાં તે સંખ્યા 6.74 કરોડ થઈ ગઈ છે. આ 6 મહિનાના ગાળામાં તમામ સર્વિસ પ્રોવાઈડરના સબ્સક્રાઈબરમાં પણ ઘટાડો નોંધાયો છે.

રાજ્યમાં સૌથી વધુ વોડાફોન આઈડીયાના સબ્સક્રાઈબર 9.95 લાખ જેટલા ઘટ્યાં છે. જ્યારે સરકારી કંપની બીએસએનએલના સૌથી ઓછા 2.10 લાખ ઘટ્યાં છે. તો રિલાયન્સ જિઓના 9.21 લાખ સબ્સક્રાઈબર ઘટ્યાં હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ આ જ સમયગાલામાં દેશમાં મોબાઈલ યુઝર્સમાં પણ 2.62 કરોડનો ઘરખમ ઘટાડો નોંધાયો છે. શહેર કરતા ગ્રામ્યવિસ્તારમાં ઘટાડો સામાન્યથી વધુ છે. જૂનમાં 118.08 કરોડ સબ્સક્રાઈબર હતા. જ્યારે ડિસેમ્બરમાં તે 115.46 કરોડ થઈ ગયાં છે.

