બમ બમ ભોલેના નાદ સાથે જૂનાગઢમાં આજથી પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે. સંતો-મહંતોની હાજરીમાં હર હર મહાદેવના ગગનભેદી નાદ સાથે ધ્જારોહણ કરાયું હતું. ભક્તિ, ભજન અને ભોજનના આ ત્રિવેણી સંગમ એવા મીનીકુંભ મેળામાં દેશદેશાવરથી લોકો પહોંચી રહ્યાં છે. તો શિવરાત્રીમાં શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી પડે નહીં તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી છે.

કોરોના મહામારીના પગલે છેલ્લા બે વર્ષથી રાજ્યમાં ધાર્મિક ઉત્સવો અને મેળાના આયોજનો ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જો કે હવે કોરોનાના કેસોમાં ઘટાડો થતા બે વર્ષના લાંબા સમયગાળા બાદ રાજ્ય સરકારે ભક્તિ, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન ગિરનારના શિવરાત્રી મેળા એટલે કે મીનીકુંભ મેળો યોજવાની છુટ આપી છે. જેનો આજે સંતો-મહંતોની હાજરીમાં ધ્વજારોહણ કર્યાં બાદ પ્રારંભ થયો છે. આ મેળો પાંચ દિવસ સુધી ચાલશે.

મહાશિવરાત્રી મેળાને ખુલ્લો મુકતા પહેલા વર્ષો જૂની પરંપરા મુજબ સવારે સંતો-મંહતો અને મહાનુભવોની હાજરીમાં ભવનાથ મંદિરમાં મહાદેવને ધ્વજારોહણ કરી હતી. બે વર્ષ બાદ છુટછાટ સાથે મેળો યોજાતા દેશમાંથી ભાવિકો, સાધુ-સંતો મોટી સંખ્યામાં ઉત્સાહભેર મેળો માણવા માટે પહોંચી રહ્યાં છે. આ પાંચ દિવસીના મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. જેને લઈને તંત્ર દ્વારા તમામ સુવિધાઓ ઉભી કરી દેવાઈ છે. શિવરાત્રીની રાત્રે રવાડી નીકળ્યા બાદ મેળો પૂર્ણ થશે અને ત્યાં સુધી ગિરનારમાં બમ બમ ભોલેના નાદ ગુંજશે.

