રાજકોટ પોલીસ કમિશન કાંડમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ક્રાઈમ બ્રાંચ PI વી.કે.ગઢવી તથા PSI સાખરા બંધુઓએ કરેલા કમિશન અંગે ગૃહવિભાગે તપાસના આદેશ આપ્યા હતા. જેની તપાસ DGP વિકાસ સહાકનો સોંપવામાં આવી હતી. વિકાસ સહાયની સામે ફરિયાદી સખીયા બંધુઓએ નવો ઘટસ્ફોટ કર્યો છે. સખીયા બંધુઓએ DGP વિકાસ સહાયને કહ્યું કે, પોલીસ એમને 4.5 લાખ રૂપિયા પાછા આપ્યા હતા. આ વાતના પુરાવા રૂપે 2 વીડિયો ક્લિપ પણ બતાવી દીધી છે.

રૂ.75 લાખના તોડકાંડમાં સખીયા બંધુઓએ વિશેષ નિવેદન આપીને સૌને ચોંકાવી દીધા છે. જેના કારણે એમને ગાંધીનગરનું તેડું આવ્યું છે. જેમાં DGP વિકાસ સહાય સમક્ષ તા.3 ફેબ્રુઆરીના રોજ દીવાનપરા પોલીસચોકી ખાતે મહેશ સખીયા અને જગજીવન સખીયાને પોલીસે 4.5 લાખ રૂપિયા પાછા આપ્યા હોવાના ચોંકાવનારા ખુલાસા સામે આવતા રાજકોટમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ માટે તેમણે રજૂ કરેલી વીડિયો ક્લિપ પણ હવે ચર્ચાનો વિષય બની રહી છે. 4.5 લાખ રૂપિયા ક્રાઈમ બ્રાંચ PSI એમ.એમ.ઝાલા અને રાઈટર મહેશ મંડ તરફથી અપાયા હોવાની વાત તપાસ અધિકારી સામે કરી દીધી છે. આ ફરિયાદ સામે આવ્યા બાદ સખીયા બંધુઓએ પોલીસે પૈસા પરત કર્યાના ગીત ગાયા છે. જ્યારે એમને એવું પૂછવામાં આવ્યું કે, આ રૂપિયા પોલીસ કમિશનરે મોકલ્યા કે આરોપી પાસેથી મળ્યા કે બીજા કોઈ અધિકારીએ આપ્યા આ મામલે માહિતી જાહેર કરી હતી. પણ પાછા આવેલા પૈસાની પાવતી અપાવી પડે એ અંગે કોઈ વિગત જાહેર કરી નથી.

જોકે, પોલીસ કમિશન કાંડ સામે આવ્યા બાદ રાજકોટ જ નહીં પણ જામનગરમાંથી પણ રાજકોટ પોલીસ સામે ફરિયાદનો રાફડો ફાટ્યો હતો. આ બંને બંધુઓ જ નહીં બીજા પણ ઘણા લોકોએ પોલીસ તોડબાજી કરે છે એવા નિવેદન આપ્યા હતા. જોકે, તપાસની ફાઈલ ગૃહવિભાગ સુધી જતા યુદ્ધના ધોરણે પૂછપરછનો ધમધમાટ શરૂ થયો હતો. પરંતુ, સૌથી પહેલા જે બે વ્યક્તિઓએ ફરિયાદ કરી છે એ જ વ્યક્તિનું આવું નિવેદન સામે આવતા રાજકોટમાં અનેક મુદ્દાઓ ચર્ચામાં રહ્યા છે. એકાએક આવો વળાંક સામે આવતા તપાસ અને કામગીરી બંને મામલે લોકોમાં સવાલ ઊભા થયા છે.

