મોરબી શહેરમાં વર્ષોથી ટ્રાફિક જામની સમસ્યા છે જોકે પાલિકા તંત્ર તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવાના બદલે માત્ર કામ ચલાઉ કામગીરી કરવામાં આવતા શહેરમાં હાલ ટ્રાફિક જામની સમસ્યા ચેપી રોગની જેમ સમગ્ર શહેરમાં પ્રસરી ચુકી છે. શહેરના તમામ મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા પ્રસરી ચુકી છે. તંત્ર દ્વારા મચ્છુ નદી પર એક બેઠો પુલ બનાવવામાં આવ્યો ત્યારે એવી આશા વ્યક્ત કરી હતી કે શહેરની સમસ્યા હાલ થશે જે તે વખતે આ બ્રીજને વન વે જાહેર ન કર્યો જેના કારણે વહેલા પહોચવાની લ્હાયમાં મોટા ભાગના વાહન ચાલકો બેઠા પુલથી આવન જાવન કરવા લાગ્યા પરિણામે ત્યાં ટ્રાફિક જામ વધ્યો છે તો શહેરના ગાંધી ચોકથી મહેશ હોટેલ સુધીના માર્ગને પહોળો કરવા સર્વે કરવામાં આવ્યો હતો જોકે રાજકીય દબાણ કારણે આ ફાઈલ પણ અભેરાઈ પર ચઢાવી દેવાઈ હતી.
ભૂતકાળની ભૂલ સમયસર ન સુધરતા આજે શહેર ટ્રાફિક જામનું ઘર બની જતા મોરબીમાં હવે તંત્ર ફરી જાગ્યું હોય તેમ ફરી મંત્રી બ્રિજેશ મેરજાએ જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરા, ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા તેમજ મોરબી પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ રાજકીય આગેવાનોની શહેરની ટ્રાફિક સમસ્યાના કાયમી નિરાકરણ માટે ચર્ચા વિચારણા કરી હતી.
બેઠકમાં મોરબી શહેરમાં વિવિધ સ્થાનો પર ટ્રાફિક સિગ્નલ મુકવા માટેના પોઇન્ટ સુચવવામાં આવ્યા હતા. આ સાથે જ શહેરમાં વન-વે વધારવા, રોડ-રસ્તાઓ પર થયેલા દબાણો દૂર કરવા, નગર દરવાજો, ગાંધી ચોક, રામ ચોક, શાકમાર્કેટ જેવા ભરચક વિસ્તારોમાં પાર્કિંગની સમસ્યાઓ હલ કરવી, વન-વે નો કડક અમલ થાય, પાર્કિંગ પ્લોટ વધારવા અંગે તેમજ શહેરમાં વધુ બેઠા પુલનું નિર્માણ થાય તે દિશામાં ચર્ચાઓ કરવામાં આવી હતી. આ તકે જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાએ ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે શહેરના 13 ટ્રાફિક પોઇન્ટ પર ટ્રાફિક સિગ્નલ મુકવા સહિત અન્ય ટ્રાફિક નિવારક મુદ્દાઓની દરખાસ્ત રજૂ કરી હતી.
મોરબીમાં સાંજ અને સવારના સમયે મુખ્ય માર્ગો પર થતા ટ્રાફિક જામમાં ડેમુ ટ્રેનના કારણે ફાટક બંધ થવાથી પણ નટરાજ ફાટકથી મહારાણા પ્રતાપ સર્કલ જ્યાં બીજી તરફ પાડા પુલથી નટરાજ ફાટક,વીસી ફાટક નવલખી ફાટક સહિતના વિસ્તાર ટ્રાફિક જામ રહે છે જેથી ડેમુ ટ્રેન મુખ્ય રેલ્વે સ્ટેશનના બદલે નઝરબાગ રેલ્વે સ્ટેશન પર સ્ટોપ કરવામાં આવે અને ત્યાંથી પાલિકા પોતાની સીટી બસ દોડાવે તો આ ફાટક પર ટ્રાફિક જામ સમસ્યા હલ થવામાં મદદ મળી શકે છે વિસ્તારમાં પણ સમસ્યા હલ થઈ શકે છે
મોરબીમાં આ વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલની તાતી જરૂરિયાત
મોરબીના મુખ્ય ચોક વિસ્તારમાં માર્ગો ભેગા થતા હોય તેવા વિસ્તારમાં વાહનો સામે સામે આવી જવાના કારણે ટ્રાફિક જામ સર્જાઈ છે જેના કારણે શહેરના આ મુખ્ય વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ જરૂરી છે જેમાં ઉમીયા સર્કલ,શનાળાથી અયોધ્યાપુરી તરફ જતા રોડ, રવાપર ચોકડી,વીસી ફાટક,મહારાણા પ્રતાપ સર્કલ,અવની ચોકડી,માળિયા ફાટક સહિતના વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલની તાતી જરૂરિયાત છે.
(બોક્સ) બેઠક થશે કે નક્કર કાર્યવાહી સમય જણાવશે
મોરબી શહેરમાં હાલ ટ્રાફિક જામની સમસ્યા વકરી ચુકી છે ત્યારે અ સમસ્યા નિવારણ માટે અધિકારી પદાધિકારી સાથે મળી સમસ્યા ઉકેલ માટે આગળ આવ્યા તે શહેર માટે રાહતજનક સમાચાર છે.બેઠકમાં આવેલ સૂચનોનો વહેલી તકે અમલ થાય અને શહેર ટ્રાફિક જામથી મુક્તિ મળે તે જરૂરી છે જોકે માત્ર બેઠક કરવી અને જમીન પર તેની અમલવારીમાં ઘણો ફર્ક છે તંત્ર આ માટે કેટલા સક્રિયતાથી પગલા ભરે છે.તે સમય જ બતાવશે.

