રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી રાધેક્રિષ્ના સોસાયટીમાં ભૂમાફિયાઓનો ત્રાસ સામે આવ્યો છે. જેમાં મકાન ઓછી કિંમતમાં ખાલી કરાવવા મુદ્દે ભૂમાફિયાઓ તરફથી વારંવાર સ્થાનિકો સાથે ઘર્ષણ કરી મહિલાઓની છેડતી કરવામાં આવતી હતી. આવા આક્ષેપ સાથે સોમવારે રાત્રિના પણ 5 જેટલા ભૂમાફિયાએ નશાની હાલતમાં સ્થાનિકો પર હુમલો કરી હંગામો કર્યો હતો. લોકોને માર મારવામાં આવ્યો હતો, જેમાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેતું ખસેડાયા હતા. હાલમાં આ ICU વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

રાજકોટ સિટીના યુનિવર્સિટી રોડ પર કેન્સર હોસ્પિટલની સામે રાધેક્રિષ્ના સોસાયટીમાં 18 જેટલાં મકાનો ઓછી કિંમતે માગી ખાલી કરાવવા માટે ભૂમાફિયાઓ ખોટી રીતે દબાણ કરી રહ્યા હતા. છેલ્લાં 3થી 4 વર્ષથી સ્થાનિકોને આ રીતે હેરાન કરવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે. સોમવારે રાત્રિના 1 વાગ્યે ફરી 5 જેટલા ભૂમાફિયાઓ નશો કરીને દોડી આવતા વાહનમાં તોડફોડ કરીને મહિલા સહિત 4થી 5 જેટલા લોકો પથ્થરમારો કર્યો હતો. જેમાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત અવિનેશભાઈ ધૂલેશિયાના પુત્ર બ્રિજેશ ધુલેશિયાએ કહ્યું હતું કે 5 જેટલા લોકો નશાની હાલતમાં ધસી આવ્યા હતા. હુમલો કર્યો હતો. મારા પિતા ગંભીર રીતે ઘાયલ છે અને છેલ્લાં 4 વર્ષથી આ ભૂમાફિયાઓ અવારનવાર આવી મકાન ખાલી કરાવવા માટે આવી ગાળો ભાંડે છે. મકાન 18 લાખમાં માગી રહ્યા છે જે 70થી 80 લાખની કિંમતનાં છે. પોલીસને અમે રજૂઆત કરી છે, ફરિયાદ પણ કરી છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેમજ DCP મનોહરસિંહ જાડેજા આરોપીઓને છવારી રહ્યા છે.

