14 ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવે છે. પ્રેમના પ્રતિક એવા વેલેંટાઈન ડેની મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે વાત્સલ્ય દિન ઉજવીને બાળકોને જલસો કરાવ્યો હતો. જેમાં મોરબીની સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને શહેરના ઉધોગપતિ મિત્રોની મદદથી તેમની કારમાં બીએમડબલ્યુ ઓડી સહિતની લકઝરીયસ કારમાં બેસાડીને શહેરની સફર પર લઈ જવામાં આવ્યા હતા. બાદમાં બાળકોને ભાવતું ભોજન પણ પીરસવામાં આવ્યું હતું. વાત્સલ્ય દિવસ બાળકો માટે યાદગાર બની રહે તેવું આયોજન યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા કરવામાં આવ્યું છે.

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વેલેન્ટાઇન ડે ની વાત્સલ્ય દિવસ તરીકે અનોખી ઉજવણી કરવાનું પ્રેરક આયોજન કરવામાં આવ્યું હતું. હાલ ભારત દેશમાં પાશ્ચાત્ય તહેવારોની ઉજવણીનું ઘેલું લાગ્યું છે. ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ તહેવારોની ઉજવણી કરીને જરૂરિયાત મંદોના ચહેરા પર મુસ્કાન લાવનાર યંગ ઇન્ડિયા ગ્રૂપે વેલેન્ટાઇન ડેના દિવસે નવતર કાર્યક્રમ યોજ્યો હતો. વેલેન્ટાઇન ડેને વાત્સલ્ય દિવસ તરીકે ઉજવીને યંગ ઇન્ડિયા ગ્રૂપ જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર સ્મિત રેલાવીને તેઓને જલસા કરાવ્યા હતા. મોરબીની જુદી જુદી સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 100 જેટલા બાળકોને સ્કાય મોલ ખાતે લઇ આવવામાં આવ્યા હતા. આ જોય રાઈડમાં બધાજ બાળકોને 40 જેટલી મર્સીડીઝ, ઓડી, BMW સહિતની લકઝયરીયસ કારમાં બેસાડી મોરબી શહેરની સફર કરાવી હતી. બાળકોએ જોય રાઈડની મજા માણ્યા બાદ હોટેલમાં ભોજન પણ કરાવ્યા હતા

