ખંભાળિયાના પોલીસ ક્વાર્ટર વિસ્તારમાં રહેતા અને હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મીએ રવિવારે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ગૃહકંકાસના કારણે મહિલા પોલીસ કર્મીએ આપઘાત કર્યો હોવાનું જણાવ્યું છે.

મુળ ખેડા જિલ્લાના મીરાબેન દશરથભાઈ ચાવડા (ઉ. 29) નામની મહિલા ખંભાળિયાના પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેમજ પાંચ વર્ષ પૂર્વે મીઠાપુરમાં રહેતા મિતેશભાઈ ભાયાણીનામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. લગ્નજીવન દરમયાન તેણીને એક ત્રણ વર્ષનો પુત્ર પણ છે. મૃતક મહિલા અને તેણીના પતિ વચ્ચે છેલ્લા છ માસથી અવાર નવાર કોઈ બાબતે બોલાચાલી થતી હતી. દાંપત્યજીવનમાં ચાલતા ઝઘડા વચ્ચે ચારેક દિવસ પહેલા કોઈ કારણે પતિ અને પત્ની વચ્ચે મોબાઈલ ફોન ઉપર ઉગ્ર ઝઘડો થયો હતો.

આ અંગે મીરાબેનને મનમાં લાગી આવતા રવિવારે રાત્રીના સમયે રામનગર વિસ્તારમાં આવેલા પોલીસ ક્વાર્ટરના બ્લોક નંબર બી/3માં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક મહિલા હેડ કોન્સ્ટેબલનો મૃતદેહનો કબ્જો પોલીસે મેળવી પી.એમ. અંગેની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની તપાસ એએસપી નિધિ ઠાકુર દ્વારા ચલાવવામાં આવી રહી છે. પોલીસની તપાસ બાદ જ આપઘાત પાછળનું કારણ જાણવા મળશે.

