અમદાવાદ શહેરને જાણે આઈટી વિભાગે પોતાનું બીજું ઘર બનાવી લીધું હોય તેમ શહેરના અલગ અલગ સેક્ટરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.આવકવેરા વિભાગ ઘણા સમયથી વિવિધ ગ્રુપ પર દરોડા પાડી બેનામી વ્યવહારો શોધવા કાર્યવાહી કરી રહી છે.ત્યારે ગુરુવારે અમદાવાદના જાણીતા બિલ્ડર ગ્રુપનાં ઘર-ઓફિસમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આવકવેરા વિભાગની અલગ અલગ ટીમે ગુરુવારની વહેલી સવારથી જ શહેરના બિલ્ડર શિવાલિક ગ્રુપ અને શિલ્પ ગ્રુપના લગભગ 25 જેટલાંએક સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
બંને ગ્રુપના પ્રમોટર્સનાં ઘરે તેમજ તેમના ટોચના એક્ઝિક્યુટિવનાં ઘરે તપાસ ચાલી રહી છે. આ સાથે જ બંનેની ઓફિસમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. દિનકર ગ્રુપ ઉપરાંત આ બંને સાથે કામ કરતા બ્રોકર્સને ત્યાં પણ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુખ્યત્વે જમીનની ખરીદીમાં બેનામી વ્યવહારો થયાની આશંકા છે, જોકે વધુ વિગત તપાસ પૂરી થયા પછી જ જાણી શકાશે. હાલ શિવાલિક ગ્રુપમાં પડેલા દરોડાથી ગ્રુપ સાથે જોડાયેલ અન્ય પાર્ટનર તેમજ બિલ્ડર લોબીમાં પણ ફફડાટ ફેલાયો છે.
શિવાલિક ગ્રુપના સતીશ શાહ, ચિત્રક શાહ અને તરલ શાહ તથા શિલ્પ ગ્રુપના યશ અને સ્નેહલ બ્રહ્મભટ્ટ, જ્યારે શારદા ગ્રુપના દીપક નિમ્બાર્કની ઓફિસો અને નિવાસસ્થાને આઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રિયલ એસ્ટેટ બ્રોકર કેતન શાહ, મનીષ બ્રહ્મભટ્ટની ઓફિસ રહેણાંક મકાનોમાં પર આઈટી દરોડા પાડી સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.
આ પહેલાં ગત ઓક્ટોબરમાં અમદાવાદ શહેરના રિયલ એસ્ટેટ ગ્રુપ બી સફલનાં 22 સ્થળ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન 20 જેટલાં લોકર મળ્યાં હતાં, જ્યારે 1 કરોડની રોકડ અને 1 રૂપિયાની કિંમતના સોનાના દાગીના મળ્યા હતા.બી સફલ ગ્રુપના રાજેશ બ્રહ્યભટ્ટ અને રૂપેશ બ્રહ્યભટ્ટ તેમજ સિટી એસ્ટેટ બ્રોકરના પ્રવીણ બાવડિયાની ઓફિસ તેમજ ઘર મળીને 22 જગ્યાએ દરોડા પાડ્યા હતા.

