ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યા આસિત વોરા સામે અનેક શંકાની સોય ઊભી થઈ હતી. એ પછી હવે અચાનક આસિત વોરાનું રાજીનામું પડતા ગાંધીનગરનું રાજકારણ ગરમાયું છે. GSSSBના ચેરમેન અસિત વોરાના રાજીનામાની ઉગ્ર માંગ ઉઠી હતી. એ પછી હવે તેણે રાજીનામું આપી દીધા હોવાની વિગત જાણવા મળી છે. આ પેપરકાંડના બે મહિના બાદ અસિત વોરાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
આ સાથે જ આઈ.કે જાડેજા અને બળવંત સિંહનું પણ બોર્ડ નિગમમાંથી રાજીનામું લેવામાં આવ્યું છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તા. 12 ડિસેમ્બર 2021ના રોજ યોજાયેલી હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યાનો પર્દાફાશ થયા બાદ આસિત વોરા આશંકના ઘેરમાં રાતોરાત આવી ગયા હતા. સરકારમાં દોડધામ મચી જવા પામી હતી. જે બાદ અસિત વોરાની હકાલપટ્ટી કરવાની માંગ ઉઠી હતી. રાજ્યભરમાં આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસના કાર્યકરો દ્વારા આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બીજી તરફ સરકાર અસિત વોરાને છાવરી રહી હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. ગૌણ સેવા પસંદગી બોર્ડના ચેરમેન પદે આસિત વોરા રહ્યા હતા. વિદ્યાર્થી ઉમેદવાર તેમજ વિપક્ષ સહિત યુવરાજ સિંહ જાડેજા દ્વારા સરકાર સમક્ષ અનેક વખત રાજીનામાંની માંગ કરાઈ હતી. ભાજપ સંગઠન તરફથી થોડા સમય પહેલા પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું હતું કે જ્યાંથી પેપરલીક થયું હોય તેને પકડી તમામ સામે કાયદેસરના પગલાં લેવાશે.
અધ્યક્ષ અસિત વોરા સામે માત્ર આરોપ થયા છે ગૃહવિભાગ અને ન્યાયતંત્ર તરફથી એક ખાસ તપાસ કરવામાં આવી છે. કોઈ જ પુરાવા મળ્યા નથી. કોંગ્રેસ તરફથી પ્રવક્તા ડો મનીષ દોશીએ સમગ્ર મામલે સરકારને ઘેરતા કહ્યું હતું કે મોટા માથાને બચાવવાનું કામ ભાજપ કરે છે. સરકારે લેવાના નિર્ણય સંગઠન કેવી રીતે લઈ રહી છે.શા માટે ગૌણ સેવાના ચેરમેનને બચાવવા પ્રયાસ થઈ રહ્યા છે તેવો વેધક પ્રશ્ન કરતાં આરોપ મૂક્યા હતા કે ગુજરાતમાં કૌભાંડ કરનારા લોકો બચી જાય છે અને નાની માછલીઓ પકડાઈ જાય છે. જે કામ સરકારે કરવાના હોય તે કામ સંગઠન કરી રહી છે.

