વસંતપંચમીનો શુભ દિવસ એક પરિવાર માટે કાળો દિવસ પુરવાર થયો છે. સૌરાષ્ટ્રના મહાનગર રાજકોટમાં બે ગમખ્વાર અકસ્માત થયા હતા. વસંતપંચમીએ જ બે યુવકને કાળ ભરખી જતાં બંનેના પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. શનિવારે વહેલી સવારે રાજકોટ-શાપર હાઇવે પર જૂનાગઢના અરવિંદ પેથાભાઈ ડાંગરે (ઉં.વ.39) કારના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર પુલ પરથી 30 ફૂટ નીચે નદીમાં ખાબકી હતી. જેમાં કારમાં બેઠેલા અરવિંદનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
અરવિંદ શિક્ષક હતો અને ચાર બહેનનો એકનો એક ભાઈ હતો. જ્યારે શુક્રવારની મોડી રાત્રે રાજકોટના જૂના માર્કેટ યાર્ડ પાસે ટ્રકે યુવકને ચગદી નાખ્યો હતો. શુક્રવારે વહેલી સવારે રાજકોટ-શાપર હાઈવે પર જૂનાગઢ તરફ જૂનાગઢના રોયલ એપાર્ટમેન્ટમાં રહેતા અરવિંદ ડાંગર કાર લઈને જઇ રહ્યા હતા. એ સમયે અચાનક જ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં પુલ પરથી કાર સીધી નદીમાં ખાબકી હતી. આ અકસ્માતને કારણે કારનો કુડચો બોલી ગયો હતો. અરવિંદ કારની પાણીમાં નીચે દબાય જતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે 108ની જાણ થતાં દોડી ગઈ હતી, પરંતુ અરવિંદને મૃત જાહેર કરતાં પોલીસે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. શુક્રવારની મોડી રાત્રે 11 વાગ્યા આસપાસ એક અજાણ્યો યુવક રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે આઈસરે એને અડફેટે લીધો હતો. આઇસરનાં ટાયર હેઠળ યુવક ચગદાઈ ગયો હતો અને કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવના પગલે તરત ઘટનાસ્થળે પહોંચેલી બી ડિવિઝન પોલીસની ટીમે યુવકની ઓળખ કરવા તપાસ હાથ ધરી હતી. જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હતી. આમ રાજકોટ શહેરમાં વસંતપંચમની પૂર્વ રાત્રે અને એ દિવસે અકસ્માતની બે મોટી ઘટના બની હતી. જેમાં બંને વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે.

