સુરત પાસે આવેલા કિમ ચાર રસ્તા પાસે બુધવારે વહેલી સવારે અકસ્માતની એક ઘટના બની હતી. કિમ ચાર રસ્તા પાસે આવેલા સિયાલજ પાટિયા પાસે SRP જવાનોને લઈ જઈ રહેલી બસનો ટ્રક સાથે અકસ્માત થતા દોડધામ મચી ગઈ હતી. પાર્ક થયેલા ટ્રક પાછળ SRP જવાનોને લઈ જઈ રહેલી બસ ધડાકા સાથે અથડાઈ હતી. જેમાં 17 જેટલા જવાન ઈજાગ્રસ્ત થાય હતા. જેમાંથી ચાર વ્યક્તિઓની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના હાઈવે પર મોટા અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કિમ ચાર રસ્તા પાસે આવેલા સિયાલજ પાટીયા પાસે વહેલી સવારે ધુમ્મસને કારણે વડોદરા SRP કેમ્પથી 27 જેટલા જવાનોને લઈને સુરતના ઉધના જઈ રહેલી બસનો અકસ્માત થયો હતો. આ બસ ધડાકા સાથે ટ્રક સાથે અથડાઈ હતી. જે ટ્રક રસ્તાના કિનારે પાર્ક થયેલો હતો. બસમાં બેઠેલા કુલ 27 જવાનો પૈકી 17ને ગંભીર ઈજા પહોંચી છે. જેમાંથી ચાર જવાનોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ઘણા જવાનોને નાની મોટી ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને કિમ ચાર રસ્તા પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેતું ખેસડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ પોલીસ ટીમને થતા પોલીસ ટુકડી યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, છેલ્લા ત્રણ દિવસથી હવામાનમાં વહેલી સવારે પલટો જોવા મળ્યો છે. ધુમ્મસને કારણે દિવસે પણ વાહનોની લાઈટ ચાલું રાખવી પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. બુધવારે પણ વહેલી સવાર ભારે ધુમ્મસને કારણે વાહનવ્યવહારમાં એક મુશ્કેલી ઊભી થઈ હતી.

ખાસ કરીને હાઈવે પર જતા વાહનોમાં લાઈટ ચાલું રાખવી પડી હતી. જોકે, ધુમ્મસને કારણે અકસ્માત થયો હોય એવો આ પહેલો બનાવ નથી. આ પહેલા પણ પાલનપુર રોડ પર ધુમ્મસને કારણે અકસ્માત થોય હતો. જોકે, હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઠંડીનો હજુ એક રાઉન્ડ આવવાનો બાકી છે જે તા.5 ફેબ્રુઆરી આસપાસ શરૂ થશે. એ પછી શિયાળો વિધિવત રીતે વિદાય લેશે.

