ગુજરાત રાજ્યમાં અમદાવાદ પાસે આવેલા ધંધુકામાં કિશન ભરવાડની હત્યાને લઈ રાજકારણ ગરમાયું છે. રાજકારણ બાદ હવે બોલિવુડમાંથી એક્ટ્રેસ કંગના રણૌતે કિશન ભરવાડ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે. કંગનાએ કહ્યું હતું કે, ફેસબુક પોસ્ટને કારણે કિશન ભરવાડની હત્યા મસ્જીદ તથા મૌલવીએ ચોક્કસ પ્લાન અંતર્ગત કરી છે. કારણ કે તેઓ વિચારતા હતા કે, ભગવાનને આ પોસ્ટ નહીં ગમે.
ભગવાનના નામે એને મારી નાંખ્યો. આપણે કોઈ મધ્યયુગમાં જીવતા નથી. આવી હત્યાઓ સામે સરકારે કડક પગલાં ભરવા જોઈએ. કિશન હજુ માંડ 27 વર્ષનો હતો. એમના ઘરે બે મહિનાની દીકરી છે. પોસ્ટ ડીલીટ કરવાનું અને માફી માગવાનું કહેવામાં આવ્યું હતું. પોસ્ટ ડીલીટ કરી હોવા છતા ચાર માણસોએ એની ઘાતકી હત્યા કરી નાંખી. તે શહીદથી સહેજ પણ ઓછો નથી. દરેકની આઝાદી માટે મૃત્યું પામ્યો છે. આવા જ લોકો દેશને અફઘાનિસ્તાન બનતા અટકાવી રહ્યા છે. એની વિધવાને પેન્શન મળવું જોઈએ. ઓમ શાંતિ. ગત મંગળવારે કિશન ભરવાડ નામનો યુવાન એના જૂના ઘર પાસેથી પસાર થતો હતો ત્યારે બે શખ્સોએ એના પર ફાયરિંગ કરીને એને મોતને ઘાટ ઊતારી દીધો હતો. એક મિસ ફાયર થયું હતું અને બીજી ગોળી વાગતા તે ઢળી પડ્યો હતો. હોસ્પિટલ સારવાર માટે લઈ જવાતા હોસ્પિટલમાં જ એમનું મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટનાના પગલે સમગ્ર માલધારી સમાજમાં રોષ ફેલાયો છે. પહેલા તો આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી હતી. પણ પોલીસની સમજાવટ બાદ અને કડક બંદોબસ્ત વચ્ચે એની અંતિમ વિધિ કરવામાં આવી હતી. આ હત્યા કેસમાં રાજકોટ પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. રાજકોટ SOGએ મિતાણા ગામેથી અજીમ સમા નામના આરોપીને દબોચી લીધો હતો.
જેણે આરોપીઓને હથિયાર આપ્યા હતા. આ આરોપી મૌલાનાને હથિયાર સપ્લાય કરતો હતો. SOGએ આરોપીને ATSના હવાલે કર્યો છે. શનિવારે સાંજે મોરબી બી ડિવિઝન પોલીસે અજીમના ભાઈ વસીમને પકડી લીધો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ છ આરોપીઓ પકડાયા છે. જેમાં શબ્બીર અને ઈમ્તિયાઝ બંને મુખ્ય આરોપીઓ છે. જોકે, આ સમગ્ર કાવતરૂ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા એક ઘરમાં ઘડાયું હતું.

