અમદાવાદમાં પોચી જમીનને કારણે અનેક વખત ભેખડ ધસી પડવાની ઘટના બને છે ક્યારેક બસ અટવાય છે તો ક્યારેય આવી ઘટનામાં મજૂરોનાં મોત પણ થાય છે. ફરી એકવખત આવી ઘટના અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી સામે આવી છે. નારણપુરા વિસ્તારમાં ભેખડ ધસી પડવાની ઘટનામાં બે મજૂર દટાયા છે. ભેખડ ધસી પડવાનો કોલ મળતાંની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી મજૂરને બચાવવા માટે દોડધામ કરી હતી. આ ઘટનામાં ત્રણ મજૂર દટાયા હતા, જેમાંથી બેનાં મોત નીપજ્યાં હતાં. એક મજૂરને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
ઈનાયત શેખે (ફાયર ઓફિસર) જણાવ્યું હતું કે, જેસીબીના ખોદકામ દરમિયાન આ મજૂરો કામ કરતા હતાં. પાછળની સાઈડના રોડની ભેખડ અચાનક ધસી પડતાં મજૂરો અંદર દટાયા. ફાયરબ્રિગેડને ઘટનાની જાણ થતાં નવરંગપુરા, ચાંદખેડા અને સાબરમતીનો સ્ટાફ તરત હાજર થઈ ગયો હતો. એક જ કલાકમાં બંને મજૂરને કાઢીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતાં. આ ઘટનામાં બે મજૂરના મોત નીપજ્યા છે. અમીકુંજ ચાર રસ્તા નારણપુરા પાસે જૂના જનક એપાર્ટમેન્ટનું રિડેવલપમેન્ટનું ચાલતું હતું.

રિડેવલપમેન્ટની કામગીરી ધર્મ ડેવલપર્સ નામના બિલ્ડર દ્વારા કરવામાં આવી રહી હતી. દરમિયાન બપોરે અચાનક ભેખડ ધસી પડતાં 3 મજૂર દટાયા હતા, કરમી પટુભાઈ અને ડામોર જયસિંગભાઈ નામના દાહોદના બંને મજૂરને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. સવારે 10 વાગ્યે ભેખડ ધસી પડવાનો કોલ મળ્યો હતો. કોલ મળતાંની સાથે જ ફાયરબ્રિગેડની ટીમની 4 ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે દાહોદનો શ્રમિક પરિવાર અહીં કામગીરી કરી રહ્યો હતો.

