રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર પીક ઉપર પહોંચી ગઈ છે. ત્યારે આગામી 27 જાન્યુઆરીથી શરૂ થનારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં કોરોના વેક્સિનના બંને ડોઝ લેનારા વિદ્યાર્થીઓને જ પરીક્ષા આપવા દેવામાં આવશે. સત્તાધીશોના આ નિર્ણયથી કેટલાક વિદ્યાર્થીઓમાં નારાજગી પણ ફેલાઈ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 27 જાન્યુઆરીથી બીએ, બીકોમ (એક્સ્ટ્રનલ) તથા બીએડ સેમેસ્ટર-3 અને એમજેએમસી, બીએ, એલએલબી સહિત 15 જેટલા કોર્સની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. જેમાં 8 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપશે. તેના માટે કોવિડ ગાઈડલાઈન અનુસાર 40 જેટલા કેન્દ્રો ઉપર આ પરીક્ષા લેવા માટે તંત્ર દ્વારા આયોજન કરાયું છે.

પરંતુ આ પરીક્ષામાં નોન-વેક્સિનેટેડ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા નહીં દેવા માટે નિર્ણય લેવાયો છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. વિજય દેસાણીએ જણાવ્યું છે કે, તા. 27 જાન્યુઆરીથી જે કોર્સની પરીક્ષા શરૂ થવાની છે તેમાં કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. તેમજ 40 જેટા પરીક્ષા કેન્દ્રો ઉપર બેઠક વ્યવસ્થા ગોઠવાઈ છે.

તેમજ આ પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓએ વેક્સિનેશનનું સર્ટીફિકેશન દેખાડવું ફરજિયાત રહેશે. જે વિદ્યાર્થીઓએ વેક્સિનનો એક પણ ડોઝ લીધો નહીં હોય તેવા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં. તેમજ તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર માસ્ક તેમજ સોશયલ ડિસ્ટન્સનું પાલન કરવું ફરજિયાત બનશે.

