ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના માછીમારનું પાકિસ્તાનની જેલમાં શંકાસ્પદ મોત નીપજ્યું છે. મૃતકનો મૃતદેહ લેવા માટે મત્સ્ય વિભાગની ટીમ વાઘા બોર્ડર ઉપર પહોંચી ગઈ છે. માછીમારનો અંતિમ સંસ્કાર ત્રિવેણી સંગમ નજીકના ઘાટ પાસે કરવામાં આવશે.

ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં રહેતા જયંતીભાઈ કરશનભાઈ સોલંકી નામના માછીમારનું પાકિસ્તાનની જેલમાં શંકાસ્પદ રીતે મોત નીપજ્યું છે. આ અંગેના સમાચાર મળતાની સાથે જ મત્સ્ય વિભાગની ટીમ વાઘા બોર્ડર મૃતકના મૃતદેહ લેવા માટે પહોંચી ગઈ છે. મૃતક ગતવર્ષે પોરબંદરની રસુલ સાગરનામની ફિશિંગ બોટમાં માછીમારી માટે ગયા હતા ત્યારે ભારતીય જળસીમા નજીકથી પાકિસ્તાનની મરીન સિક્યુરિટી એજન્સીએ અપહરણ કરીને લઈ ગઈ હતી.

છેલ્લા એક વર્ષથી જયંતી નામનો માછીમાર પાકિસ્તાનની જેલમાં બંધ હતો. આજે મૃતક માછીમારનો મૃતદેહ વાઘા બોર્ડરેથી ભારતને સોંપાશે. જેના પગલે સ્થાનિક મત્સ્ય વિભાગની ટીમ વાઘા બોર્ડર ઉપર પહોંચી ગઈ છે. ટીમ ત્યાંથી માછીમારના મૃતદેહનો કબ્જો સંભાળીને સુત્રાપાડા આવશે. ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર ત્રિવેણી સંગમ નજીક આવેલા ઘાટ ઉપર કરાશે તેમ જાણવા મળી રહ્યું છે. માછીમારના મોતના સમાચાર સાંભળીને પરિવાર ઉપર આભ તુટી પડ્યું હતું.

