રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્યસભામાં 15માં નાણાપંચની ગ્રાન્ટની રકમની ફાળવણીમાં સત્તાધિશો દ્વારા વ્હાલા દવલાની નીતિ અપનાવામાં આવતી હોવાની તેમજ બાંધકામ સમિતિના ચેરમેનના કામો જ મંજૂર નહીં થતા તેમણે પણ નારાજગી વ્યક્ત કરી હતી.

રાજકોટ જિલ્લા પંચાયતની યોજાયેલી સામાન્ય સભામાં સત્તાધિશો દ્વારા 15માં નાણાપંચના વિકાસકામોની ગ્રાન્ટની ફાળવણી મુદ્દે તડાપીટ બોલી હતી. જેમાં વિપક્ષના નેતા અર્જુન ખટારીયાએ 15માં નાણાપંચમાં વિકાસકામોની ગ્રાન્ટની ફાળવણીની રકમમાં સત્તાધીશો દ્વારા અપૂરતી રકમ ફાળવવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતના સત્તાધિશો દ્વારા જે જે સીટ ઉપર ભાજપના સદસ્યો છે ત્યાં ગ્રાન્ટની રકમ વધારે વાપરવામાં આવે છે. જ્યારે જ્યાં જ્યાં કોંગ્રેસના સદસ્યો છે ત્યાં તેમના વિકાસકામો માટે પુરતી ગ્રાન્ટની રકમ ફાળવવામાં આવતી નથી.

તો બીજી તરફ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરે જણાવ્યું હતું કે, જિલ્લા અને તાલુકાના સમતોલ વિકાસ માટે યોગ્ય રીતે જ ગ્રાન્ટ વાપરવામાં આવી રહી છે. તેમજ આગામી દિવસોમાં પણ જે જે જગ્યાએ વિકાસકામોમાં રકમ જોશે ત્યાં પુરતા પ્રમાણમાં રકમની ફાળવણી કરીને વિકાસકાર્યને વેગ આપવામાં આવશે. તો આ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ભાજપના જ સદસ્ય અને બાંધકામ સમિતિના ચેરમેન ક્યાડા નારાજ થયા હતા. તેમણે અમરનગરમાં પાણીની જૂની ટાંકીને દુર કરીને નવી ટાંકી બનાવવા માટે રૂપિયા 10 લાખના ખર્ચે બનાવવા માટે રજૂઆત કરી હતી. પરંતુ તેમના આ કામનો પણ સમાવેશ નહીં કરાતા તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.


